દ્વારકામાં આખલા યુદ્ધ, મંદિરે ધજા ચઢાવવા જતા શ્રદ્ધાળુઓ પર હુમલો કરીને ઘાયલ કર્યાં
યાત્રાધામ દ્વારકામાં આખલાઓનું યુદ્ધ, ધજા ચઢાવવા ગયેલા શ્રદ્ધાળુઓની વચ્ચે ઘૂસ્યા બે આખલા... અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
દ્વારકા :ગુજરાતમાં રખડતા ઢોર હવે બેફામ બની રહ્યાં છે. ગુજરાતનું એક પણ શહેર બાકી નહિ હોય જ્યાં રખડતા ઢોરોનો આતંક જોવા મળી રહ્યો હોય. રોજ કોઈને કોઈ શહેરમાંથી આખલાનો આતંક, ઢોરોના અડ્ડાની તસવીરો-વીડિયો જોવા મળે છે. ત્યારે ગુજરાતનું પવિત્ર યાત્રાધામ પણ આ આતંકથી બાકાત નથી. યાત્રાધામ દ્વારકામાં આખલાઓનું યુદ્ધ થયુ હતું. જેમાં ધજા ચઢાવવા ગયેલા શ્રદ્ધાળુઓની વચ્ચે બાખડેલા બે આખલા ઘૂસી ગયા હતા. જેમાં અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા છે.
યાત્રાધામ દ્વારકામાં આખલા યુદ્ધનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, દ્વારકાધીશ મંદિર પર ધજા ચડાવા આવેલ રબારી સમાજના લોકોને બે આખલાઓએ બાનમાં લીધા હતા. જેથી અનેક લોકોના જીવ જોખમમાં મૂકાયા હતા. ધજા લઈને ગયેલા લોકો વચ્ચે લડાઈ કરતા આખલાઓએ ઘુસીને આંતક મચાવ્યો હતો. બે આખલાઓ વચ્ચેના યુદ્ધમાં અનેક લોકો ઘવાયા હતા.
આ પણ વાંચો : ગુજરાતી દંપતીના ઝઘડાનો વીડિયો વાયરલ : ‘ચાલ સાથે મરીએ...’ કહીને પતિ-પત્ની જાહેરમાં બાખડ્યા
ઉલ્લેખનીય છે કે, દ્વારકા એ ગુજરાતનું ફેમસ યાત્રાધામ છે. છતાં અહી રખડતા ઢોરોનો અડીંગો જોવા મળે છે. આવામાં અહી આવનારા પ્રવાસીઓના જીવ પણ જોખમમાં મૂકાઈ શકે છે. તેમ છતાં નગર પાલિકા તંત્ર કુંભકર્ણ માફક ઊંઘમાં જોવા મળી રહ્યું છે.
ગત રોજ નવસારીના કબીલપોરની સોસાયટીમાં બાઇક સાથે વાછરડુ અથડાતા મહિલા ઘાયલ થઈ હતી. આ ઘટનો વીડિયો પણ ચોંકાવનારો છે. નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ ફરીવાર વધ્યો છે. કબીલપોર પાસે આવેલી વસંત વિહાર સોસાયટીમાં મહિલા પોતાના ટુવ્હીલર પર જઈ રહી હતી, ત્યારે અચાનક ગલીમાંથી રખડતુ ઢોર આવી ચઢ્યુ હતું. વચ્ચેથી ઢોર ગલીમાંથી દોડતું આવતા મહિલા સાથે ઠોકાતા મહિલા ગાડી સાથે નીચે પટકાઈ હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. મહિલાના પરિવારે ગ્રામ્ય પોલીસમાં અકસ્માતને લઈને અરજી પણ આપી છે. ઢોર માલિક, પાલિકા પ્રમુખ, CO અને ચેરમેન વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા અરજીમાં ઉલ્લેખ કરાયો છે.