House Price in Ahmedabad : ઘરનું ઘર હોવું એ દરેકનું એક સપનું હોય છે. અમદાવાદમાં મકાનના ભાવો આસમાને પહોંચી રહ્યાં છે. આ ફક્ત ગુજરાતના અમદાવાદની વાત જ નથી પણ રિયલ્ટીક્ષેત્રમાં હાલમાં જોરદાર તેજી જોવા મળી રહી છે.  દેશભરમાં ઘરોની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. રાષ્ટ્રીય આવાસ બેન્ક (એનએચબી) તરફથી ગુરૂવારે જારી રિપોર્ટથી તેની જાણકારી મળી છે. એનએચબીના રિપોર્ટ પ્રમાણે પાછલા નાણાકીય વર્ષ  (2022-23) ના ચોથા ક્વાર્ટર એટકે કે જાન્યુઆરીથી માર્ચ સુધી 43 શહેરોમાં પ્રોપર્ટીની કિંમતમાં વધારો થયો છે. રિપોર્ટ અનુસાર ભારતના આઠ મુખ્ય આવાસ બજારોમાં જાન્યુઆરી-માર્ચ 2023 ક્વાર્ટર દરમિયાન સંપત્તિની કિંમતમાં વધારો થયો છે. મકાનોની કિંમતમાં સૌથી વધુ વધારો અમદાવાદમાં જોવા મળ્યો છે. ત્યારબાદ બેંગલુરૂ અને ચેન્નઈનું સ્થાન રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં ઘર ખરીદવું સૌથી મોંઘુ
એનએચબી દ્વારા પ્રકાશિત આવાસ કિંમત સૂચકાંક (એચપીઆઈ) અનુસાર અમદાવાદમાં સંપત્તિની કિંમતમાં વાર્ષિક આધાર પર 10.8 ટકા, બેંગલુરૂમાં 9.4 ટકા, ચેન્નઈમાં 6.8 ટકા, દિલ્હીમાં 1.7 ટકા, હૈદરાબાદમાં 7.7 ટકા, કોલકત્તામાં 11 ટકા, મુંબઈ 3.1 ટકા અને પુણેમાં 8.2 ટકાનો વધારો થયો છે. આ શહેરોની HPI બેંકો અને હાઉસિંગ લોન કંપનીઓ પાસેથી મળેલા વેલ્યુએશન ડેટા પર આધારિત છે. ચોથા ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે તેમાં 5.8 ટકાનો વધારો થયો છે. માર્ચ 2022માં 5.3 ટકાનો વધારો થયો હતો.


સાત શહેરોમાં ઘરના ભાવમાં ઘટાડો
આંકડા અનુસાર સર્વેમાં સામેલ 50 શહેરોમાંથી સાત શહેરોમાં ઘરના ભાવ નીચે આવ્યા છે. હોમ લોન પર વ્યાજદર કોવિડ-પૂર્વના સમયથી પણ ઓછો છે, જેનાથી આ ક્ષેત્રમાં વૃદ્ધિ બનેલી છે. આજે આરબીઆઈ દ્વારા રેપોરેટમાં કોઈ ફેરફાર ન કરાતા હોમલોન ધારકોને રાહત મળી છે. જો આવનારા સમયમાં આરબીઆઈ વ્યાજદરોમાં ઘટાડો કરે છો તો આવનારા સમયમાં ઈએમઆઈ ઘટશે. તેનાથી ઘરની માંગમાં વધુ વધારો થઈ શકે છે. તે કિંમત વધારવાનું કામ કરશે. 


અમદાવાદમાં અહીં જામી ભીડ


મધ્યમ વર્ગના પરિવારો હવે શહેરના મધ્યમાં ઘર ખરીદે એવી સ્થિતિ જ નથી. એટલે જ અમદાવાદના ઉપનગરો વ્યાજબી ભાવે સ્વતંત્ર મકાનો પૂરા પાડે છે. અમદાવાદમાં આ મિલકતોની માંગ અને પુરવઠા બંનેમાં વધારો થયો છે. શહેરમાં થલતેજ, કઠવાડા, એસપી રિંગ રોડ, એસજી હાઇવે, ગોતા, ચાંદખેડા, નિકોલ, નરોડા, વટવા અને સરખેજ વિસ્તારમાં લોકો ઘરો શોધી રહ્યાં છે.  વિસ્તારોમાં ઘણા ઘરો આવેલા છે. એપાર્ટમેન્ટ્સ પછી આ સ્થાનોમાં ઘરો અને વિલા એ આગલી સુલભ મિલકત છે. તેમાં પાર્ક, ક્લબહાઉસ, પૂલ અને વધુ સહિત તમામ સુવિધાઓનો સમાવેશ થાય છે. આ અમીરો માટે છે. હાલમાં અમદાવાદમાં એફોર્ડેબલ ઘર ખરીદવા હોય તો એસપી રીંગરોડ આસપાસના વિસ્તારમાં જ અમદાવાદીઓને મકાન મળી શકે એમ છે. નોકરિયાતો હાલમાં આ વિસ્તારોમાં જ ઘર શોધી રહ્યાં છે.


અમદાવાદમાં સૌથી વધુ નવી સ્કીમો એસજી હાઇવે, પ્રહલાદનગર, બોપલ, થલતેજ અને સાયન્સ સિટી રોડ પર મુકાઇ છે. ત્યારે વેચાણ ગોતા, ન્યુ રાણીપ, ત્રાગડ, ચાંદખેડા અને મોટેરામાં વધ્યું છે. શહેરમાં ખાસ કરીને 50 લાખથી ઓછી કિંમતના મકાનોનું વેચાણ 70 ટકા છે, 50 લાખથી 1 કરોડ સુધીના મકાનોનું વેચાણ 22 ટકા જ્યારે 1 કરોડથી વધુની કિંમતના 8 ટકા મકાનોનું વેચાણ જોવા મળ્યું છે. રેરાના અમલીકરણને કારણે શહેરમાં બિલ્ડિંગ બનાવવાની ઝડપમાં વધારો થયો છે. નિયત સમય મર્યાદામાં એક તરફ પ્રોજેક્ટ પૂરો કરવાનો હોય છે ત્યારે તે સ્થિતિને કારણે મકાનો બનવીને તેનો કબજો ગ્રાહકને સોંપવાની ઝડપ વધી છે. આમ અમદાવાદીઓ માટે સારી બાબત એ છે કે જેમના ઘર છે એમની પ્રોપર્ટીના ભાવમાં સારો એવો વધારો થયો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube