લોકસભાની સાથે સાથે ગુજરાતની આ 2 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી થશે
લોકસભાની ચૂંટણીની સાથે સાથે ગુજરાતમાં વિધાનસભાની 2 બેઠક પર પેટાચૂંટણી યોજાશે. તાલાલા અને ઊંઝાની બેઠક પર પેટાચૂંટણી યોજાશે. 23 એપ્રિલે યોજાઈ રહેલી લોકસભાની ચૂંટણીની સાથે સાથે આ બંન્ને બેઠકો પર પેટાચૂંટણી યોજાશે તેવી જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે.
મૌલિક ધામેચા/અમદાવાદ : લોકસભાની ચૂંટણીની સાથે સાથે ગુજરાતમાં વિધાનસભાની 2 બેઠક પર પેટાચૂંટણી યોજાશે. તાલાલા અને ઊંઝાની બેઠક પર પેટાચૂંટણી યોજાશે. 23 એપ્રિલે યોજાઈ રહેલી લોકસભાની ચૂંટણીની સાથે સાથે આ બંન્ને બેઠકો પર પેટાચૂંટણી યોજાશે તેવી જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે.
મહત્વનું છે કે તાલાલામાં કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને તાજેતરમાં ખનીજ ચોરીના કેસમાં કોર્ટે સજા કરી છે. જેના બાદ તેમને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે કે, ઊંઝાના ધારાસભ્ય આશા પટેલે રાજીનામું આપતા આ બેઠક પણ ખાલી પડી છે. જોકે ભગવાન બારડને સસ્પેન્ડ કરવાની વાતને લઈને કોંગ્રેસે કોર્ટમાં જવાની તૈયારીઓ કરી છે.
લોકસભા ચૂંટણી 2019ને લઇ હવે ખરાખરીનો જંગ જામશે. કેમકે ગુજરાતમાં 26 બેઠકો માટે 23 એપ્રિલના રોજ ત્રીજા તબક્કામાં એકસાથે ચૂંટણી યોજાશે. લોકસભા ચૂંટણીની મત ગણતરી 23 મેના રોજ કરવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. તેની સાથે જ રાજ્ય વિધાનસભામાં ખાલી થયેલી 2 બેઠક ઊંઝા અને તાલાલાની પેટા ચૂંટણી યોજવાની પણ ચૂંટણી પંચે જાહેરાત કરી છે. જોકે, તાજેતરમાં જ કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા જવાહર ચાવડા અને પરસોત્તમ સાપરિયાની બેઠકોની ચૂંટણીની પેટા ચૂંટણીની જાહેરાત કરાઈ નથી.
ઉલ્લેખનીય છે કે, આ ઈલેક્શનમાં પ્રથમ વખત મતદાન હકનો ઉપયોગ કરનાર ગુજરાતના 18-19 વર્ષની ઉંમરના 7,67,064 લાખ મતદારો નોંધાયા છે. તો કુલ મતદાર 4,47,46,179 છે. જેમાં પુરુષ મતદાર 2,32,56,688 અને મહિલા મતદાર 2,14,88,437 અને ત્રીજી જાતિના મતદાર 1054 હોવાની માહિતી ગુજરાત ચૂંટણી પંચે જાહેર કર્યું છે.