સીએ થયેલી યુવતી હવે સંયમના માર્ગે ચાલશે, બનશે સાધ્વી
છેલ્લાં કેટલાક દિવસમાં અનેક લોકોએ સંસારિક જીવન ત્યાગીને સંયમનો માર્ગ અપનાવ્યો છે. ત્યારે મોડાસાની સીએ થયેલી 22 વર્ષીય ધ્વની શાહ નામની યુવતીએ સંસાર ત્યાગ કરી સંયમનો માર્ગ અપનાવ્યો છે.
સમીર બલોચ/અરવલ્લી : છેલ્લાં કેટલાક દિવસમાં અનેક લોકોએ સંસારિક જીવન ત્યાગીને સંયમનો માર્ગ અપનાવ્યો છે. ત્યારે મોડાસાની સીએ થયેલી 22 વર્ષીય ધ્વની શાહ નામની યુવતીએ સંસાર ત્યાગ કરી સંયમનો માર્ગ અપનાવ્યો છે.
મોડાસાની રહેવાસી અને ચાર્ટડ એકાઉંટ થયેલી ધ્વની સમીરભાઈ શાહ આગામી 10 માર્ચના રોજ સંસાર ત્યાગી સંયમનો માર્ગ અપનાવી સુરત ખાતે દીક્ષા ગ્રહણ કરનાર છે. ત્યારે આ પહેલા મોડાસા ખાતે ધ્વનીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. સીએની પરીક્ષા બહુ જ જટિલ હોય છે. બહુ જ ઓછા વિદ્યાર્થીઓ આ જટિલ પરીક્ષા પાસ કરતા હોય છે. ત્યારે ધ્વની શાહે સીએ થયા બાદ પણ સંસાર ત્યાગ કરી હવે સન્યાસી થવાનો માર્ગ અપનાવી ધર્મનો માર્ગ સ્વીકાર્યો છે.
ધ્વનિએ જણાવ્યું કે, સંયમના માર્ગમાં જે સુખ મળવાનું છે તે સુખ કરોડો રૂપિયા હોવા છતાં પણ સંસારમાં મળવાનું નથી. આ જ વિચારથી મેં દીક્ષા ગ્રહણ કરી મુમુક્ષુ બનવાનું નક્કી કર્યું છે અને આ સંયમનો માર્ગ અપનાવ્યો છે. ધ્વનીએ આ માર્ગે જવામાં તેના પરિવારજનો સહિત માતા પિતાનો મોટો સાથ સહકાર હોવાનું પણ જણાવ્યું હતું.