ઝી મીડિયા/બ્યૂરો :બપોરે 4 વાગ્યેને 20 મિનિટે ગુજરાત કેબિનેટના નવા મંત્રીઓનો શપથ સમારોહ યોજાવાનો હતો. પરંતુ તે આજે કેન્સલ કરવામાં આવ્યો છે. હવે આવતીકાલે શપથવિધિ સમારોહ યોજાવાની જાહેરાત કરાઈ છે. આવતીકાલે રાજભવનમાં જ શપથગ્રહણનું આયોજન કરાશે. સાથે જ ભાજપના આંતરિક સૂત્રોએ કહ્યું કે, નો રિપિટ થિયરીને કારણે કોઈ નેતા નારાજ નથી. જોકે, આજની તારીખે શપથવિધિ સમારોહના બેનર અને પોસ્ટર પણ છપાઈ ગયા હતા, છતા આવતીકાલે શપથવિધિ સમારોહની જાહેરાત કરાઈ છે. આમ, હાલ ભાજપમાં મોટાપાયે આંતરિક ડખો અને વિખવાદ ચાલી રહ્યો હોય તેવુ લાગે છે. હવે આવતીકાલે 1.30 વાગ્યે શપથગ્રહણ યોજાય તેવી શક્યતાઓ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


આજની તારીખના પોસ્ટર-બેનર્સ ફાડી નંખાયા


રાજભવનમાં શપથવિધિની ચાલી રહેલી કામગીરીને અચાનક અટકાવી દેવાઈ છે. આજની તારીખના લાગેલા બોર્ડ પણ ઉતારી દેવામાં આવ્યા છે. શપથવિધિની તૈયારીઓ વચ્ચે આખરે એવુ શું થયુ કે છેલ્લી ઘડીએ આયોજન રદ કરવાની ફરજ પડી. મોટાપાયે જાહેરાત કરાયા બાદ, 15 સપ્ટેમ્બરના પોસ્ટર અને બેનર્સ પણ લાગી ગયા બાદ આખરે એવુ શું થયું કે શપથવિધિ સમારોહ કેન્સલ કરવો પડ્યો તે મોટો સવાલ છે. કાર્યક્રમમાં ફેરફાર થતા આજની તારીખના પોસ્ટર અને બેનર્સ પણ સમારોહ સ્થળ પર ફાડી નાંખવામાં આવ્યા હતા. તો આ જાહેરાત બાદ ગાંધીનગર આવેલા ધારાસભ્યો ધીરે ધીરે ત્યાંથી નીકળવા લાગ્યા હતા. 



નવા ચહેરાની થિયરીમાં કેટલા મંત્રી કપાશે
જે રીતે સવારથી જ નવા ચહેરાઓને મંત્રી મંડળમાં સ્થાન આપવાની વાત ચાલી રહી છે, તેમા અનેક નેતાઓની નારાજગી સામે આવી છે. તો આ કારણે સવારથી અનેક મંત્રીઓ પોતાની ઓફિસ ખાલી કરતા દેખાયા હતા. આ નેતાઓમાં દિગ્ગજ નામ વિજય રૂપાણી, નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચૂડસમાને ગઈકાલથી દિલ્હીથી આવેલા નેતાઓ મનાવવાના પ્રયાસોમાં લાગ્યા છે. જોકે, આજનો રદ થયેલો કાર્યક્રમ બતાવે છે કે, હજી સુધી નારાજ નેતાઓ માન્યા નથી. જેથી આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હોઈ શકે. 



આ વચ્ચે એવા માહિતી પણ સામે આવી છે કે, નવા મંત્રીમંડળના નવા નિયમોને કારણે અનેક નેતાઓમાં નારાજગી હોવાનું સામે આવ્યું છે. હાલના મંત્રીઓ રિપીટ નહિ થાય, તેમજ એકવાર મંત્રી બનેલા નેતાને પણ મંત્રીમંડળમાં સ્થાન નહિ મળે તેવી થિયરી વચ્ચે અનેક દિગ્ગજ નેતાઓ નારાજ થયા છે. ગાંધીનગરમાં સમગ્ર મામલો હાલ ગૂંચવાયેલો છે.