અમદાવાદની કેલોરેક્સ સ્કૂલના સંચાલકોની `દાદાગીરી`, સ્કૂલના બુક સ્ટોલમાંથી જ ખરીદવી પડશે આ વસ્તુ, નહીં તો....
અમદાવાદના ઘાટલોડિયામાં આવેલી કેલોરેક્સ સ્કૂલને DEO એ નોટિસ ફટકારી છે. વાલીએ સ્કૂલ અંગે ફરિયાદ કરતા અમદાવાદ શહેર DEO એ નોટિસ ફટકારી હતી અને ખુલાસો માંગ્યો હતો.
અતુલ તિવારી/અમદાવાદ: ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી સ્કુલની ફીને લઇને વિવાદો ચાલી રહ્યા છે. ત્યારે અમદાવાદના ઘાટલોડિયામાં આવેલી કેલોરેક્સ સ્કૂલ ફરી એકવખત વિવાદમાં આવી છે. આ વખતે કેલોરેક્સ સ્કૂલ ફીના મુદ્દે નહીં પરંતુ સ્કૂલના બુક સ્ટોલમાંથી જ પુસ્તકો, નોટબુક સહિત સ્ટેશનરી ખરીદવા વાલીઓને ફરજ પાડી હોવાની વાત સામે આવી છે. બીજી બાજુ, વાલીએ આક્ષેપ કર્યો છે કે પુસ્તક, નોટબુક અને સ્ટેશનરી ફરજિયાત સ્કૂલમાંથી લેવી પડે તેવી સ્થિતિ ઉભી કરાઈ છે.
વાલીએ કહ્યું કે જે ચીજવસ્તુ બજારમાં સસ્તા ભાવે મળી રહી છે, તેવી વસ્તુઓ પણ મોંઘા ભાવે સ્કૂલમાંથી લેવા માટે દબાણ કરાઈ રહ્યું છે. 100 પાનાની નોટબુકનો બજાર ભાવ 25 રૂપિયા છે, પરંતુ કેલોરેક્સ સ્કૂલ દ્વારા 65 રૂપિયામાં નોટબુકનું વેચાણ કરાઈ રહ્યું છે. જ્યારે 200 પાનાની નોટબુકનો બજાર ભાવ 35 થી 55 રૂપિયા છે, પરંતુ સ્કૂલ અમારી પાસેથી 90 રૂપિયામાં વેચાણ કરી રહી છે. જેના કારણે સ્કૂલ પુસ્તકો બજાર કિંમત કરતા 3 ગણા વધુ રૂપિયા વસુલવામાં આવતી હોવાનો વાલીઓ આક્ષેપ લગાવી રહ્યા છે.
કેલોરેક્સ સ્કૂલના વાલી રાજીવ પટેલે જણાવ્યું છે કે, મારો પુત્ર 2 વર્ષથી કેલોરેક્સ સ્કૂલમાં અભ્યાસ કરે છે. ત્યારે સ્કૂલ તરફથી ફરજિયાત તેમના બુક સ્ટોલથી જ પુસ્તક સહિત સ્ટેશનરી ખરીદવા ફરજ પાડવામાં આવે છે. ગયા વર્ષના ચોપડા હોવા છતાં ફરજિયાત આખો નવો સેટ જ ખરીદવા માટે કહેવામાં આવે છે. અમારી પાસે જે પુસ્તક છે, તે પરત કરીએ તો પણ તે પાછો લેવામાં આવતો નથી.
સ્કૂલો તરફથી વાલીઓ પર કરવામાં આવતા દબાણને કારણે સ્કૂલ ફી સિવાય પુસ્તકો અને સ્ટેશનરીના નામે 5 થી 7 હજારનો ખર્ચ વાલીઓએ કરવો પડી રહ્યો છે. પુસ્તક વિક્રેતાઓ સાથે મળીને કેટલીક ખાનગી શાળાઓ લૂંટ મચાવતી હોવાની અલગ અલગ શાળાઓના વાલીઓ તરફથી ફરિયાદ મળી રહી છે.
DEO એ ફટકારી નોટિસ
મહત્વનું છે કે, આ વિવાદ વકર્યા બાદ અમદાવાદના ઘાટલોડિયામાં આવેલી કેલોરેક્સ સ્કૂલને DEO એ નોટિસ ફટકારી છે. વાલીએ સ્કૂલ અંગે ફરિયાદ કરતા અમદાવાદ શહેર DEO એ નોટિસ ફટકારી હતી અને ખુલાસો માંગ્યો હતો. સ્કૂલ દ્વારા ફરજિયાત પુસ્તક, નોટબુક અને સ્ટેશનરી સ્કૂલના સ્ટોલમાંથી ખરીદવા માટે દબાણ કરવામાં આવતું હોવાની ફરિયાદ વાલીએ કરી છે. વાલીની ફરિયાદ બાદ કેલોરેક્સ સ્કૂલને DEO રોહિત ચૌધરીએ નોટિસ આપી છે.
હવે જો સ્કૂલ સામે વાલીની ફરિયાદ સાચી સાબિત થાય તો નિયમ મુજબ શાળા સામે દંડનીય કાર્યવાહી કરાશે. અમદાવાદ શહેર DEO રોહિત ચૌધરીએ જણાવ્યું છે કે, કોઈ શાળા વાલીને પુસ્તક કે સ્ટેશનરી ફરિયાત તેમની પાસેથી જ ખરીદવા દબાણ કરી ના શકે.