નિધિરેશ રાવલ/કચ્છ :કુન્નૂર અકસ્માતે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ ભયાનક હેલિકોપ્ટર અકસ્માત (helicopter crash) માં દેશે પોતાના પહેલા CDS જનરલ બિપિન (CDS Bipin Rawat) રાવત સહિત 13 જાંબાઝ ગુમાવ્યા છે. હેલિકોપ્ટરમાં કુલ 14 લોકો સવાર હતા. જેમાંથી ફક્ત ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ જ જીવતા બચી શક્યા છે. કેપ્ટન વરુણ સિંહ (Captain Varun Singh) હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને જીવન મરણનો જંગ ખેલી રહ્યા છે. ત્યારે તેમનું ગુજરાત સાથેનું કનેક્શન સામે આવ્યું છે. હેલિકોપ્ટર ક્રેશના એકમાત્ર સર્વાઈવર ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહ કચ્છના ગાંધીધામમાં રહીને ભણ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહનો ગાંધીધામ સાથે અનોખો નાતો છે. આજે પણ તેમની સ્કૂલની મેમરી તાજી છે. વરુણ સિંહના પિતા કેપી સિંહ 50 એલટી એર ડિફેન્સ યુનીટમાં કર્નલ હતા. તેમના પિતાનું ગાંધીધામમાં 1995 ના વર્ષમાં ટ્રાન્સફર થયુ હતું. ત્યારે તેમનો પરિવાર થોડા સમય માટે ગાંધીધામમાં રહ્યો હતો. તેમનો પરિવાર મીઠીરોહર વિસ્તારમાં રહેલા બીએસએફ કેમ્પના ક્વાટરમાં રહેતો હતો. એરક્રેશમા ઈજાગ્રસ્ત કેપ્ટન વરૂણસિંહ ગાંધીધામની કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થી હતા. તેમણે 1996થી 1998 બે વર્ષ ગાંધીધામની કેન્દ્રીય વિદ્યાલયમા અભ્યાસ કર્યો હતો. એટલે કે, ધોરણ 9 - 10 નો અભ્યાસ ગાંધીધામથી કર્યો હતો. સ્કૂલના આચાર્ય શ્રીફૂલૂ મીનાએ જણાવ્યું કે, તેઓ ગાંધીધામની કેન્દ્રીય વિદ્યાલયનુ ગૌરવ છે. તેઓ ઝડપથી સ્વસ્થ બને તેવી અમારી પ્રાર્થના છે. 



પિતાના ટ્રાન્સફર બાદ તેમના પરિવારે ગાંધીધામ છોડ્યુ હતું. પણ પિતાના રસ્તે વરુણ સિંહ પણ બાદમાં આર્મીમાં જોડાયા હતા. પણ, ગાંધીધામમાં તેમણે અનેક સારી યાદો છોડી છે. તેમણે ગાંધીધામમાં અનેક મિત્રો બનાવ્યા હતા. તેમના સહપાઠીઅભિષેક વ્યાસ તેમને યાદ કરતા કહે છે કે, વરુણસિંહ સ્કૂલથી જ ભારે હોશિયાર હતો, અહીંથી ગયા બાદ અમે સોશ્યલ મીડિયાના માધ્યમથી જોડાયા હતા. તો ગાંધીધામમાં નિવૃત મેજર પોલ સિંહના પરિવાર સાથે તેમનો ગાઢ નાતો હતો. આ પરિવાર પણ તેમના નિધન પર દુખની લાગણી વ્યક્ત કરી રહ્યાં છે.