રક્ષિત પંડ્યા/રાજકોટ : રાજકોટ પંચાયત ચોક નજીક કાર ચાલકે ત્રણ વિદ્યાર્થીનીને અડફેડે લીધી હતી. અકસ્માતમાં 18 વર્ષની કોલેજિયન યુવતીનું મોત થયું, તેમજ અન્ય બે વિદ્યાર્થીની ઇજાગ્રસ્ત થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. કાર ચાલકે સ્ટેરિંગ પર કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ જેતપુરની ચાર્મી વઘાસીયા, અમરેલીની ગોપી પરસાણા છેલ્લા દોઢેક વર્ષથી રાજકોટમાં રહીને બીસીએનો અભ્યાસ કરી રહી હતી. રાજકોટની જ રહેવાસી નેન્સી સાપરીયા આ બંનેની ખાસ બહેનપણી છે. ત્રણેય મહિલા કોલેજમાં અભ્યાસ કરતી હોઈ રોજ સવારે પોતાના ઘરેથી બસ દ્વારા કોલેજ જતી હતી. ત્યારે આજે સવારે સાતેક વાગ્યે તેઓ બસ સ્ટોપ સુધી જવા નીકળ્યા ત્યારે અચાનક પાછળની બાજુથી જીજે૩એફકે-૧૮૫૪ નંબર હોન્ડા બ્રાયો કાર ત્રણેય તરફ ધસી આવી હતી. ચાર્મી અને ગોપી આ કારની અડફેડે આવી હતી. તો સાઈડમાં ઉભેલી નેન્સી ચમત્કારિક રીતે બચી ગઈ હતી. આ અકસ્માતમાં કાર ચાર્મી પર ચઢી ગઈ હતી, જેથી તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. 


ચાર્મી બીસીએના ફર્સ્ટ યરમાં ભણતી હતી. તેના પિતા ખેડૂત છે. ત્યારે ચાર્મીના મોતથી તેના પરિવારમાં આભ ફાટ્યું હતું. આ બનાવથી તેઓ તાત્કાલિક રાજકોટ જવા નીકળી ગયા હતા. 


કારચાલક મહિલા ભાગી ગઈ
આ અકસ્માતને પગલે કારચાલક મહિલા પોતાની કાર રેઢી મૂકીને નાસી ગઈ હતી. તેથી પોલીસે ફરિયાદ નોઁધીને કારચાલક મહિલાની શોધ હાથ ધરી છે. 


મૃતદેહ છકડામાં લઈ જવાયો
વિદ્યાર્થીનીના મૃતદેહને છકડામાં લઇ જવામાં આવતા પોલીસની હાજરીમાં વિદ્યાર્થીના મૃતદેહને એમ્બ્યુલન્સના બદલે છકડામાં હોસ્પિટલ લઇ જવાતા ત્યાં ઉભેલા લોકોએ પ્રશ્નો ઉઠાવ્યા હતા. એક તરફ મહિલા સુરક્ષા માટે મહિલા અભયમ છે, તો બીજી બાજુ વિદ્યાર્થીનીને મોત બાદ પણ એમ્બ્યુલન્સ નસીબમાં ન હતા. તેને છકડામાં પોલીસ હાજરીમાં હોસ્પિટલ ખસેડાઇ હતી અને પોલીસ કંઈ જ બોલી ન હતી.