અમરેલીમાં પરિવારે જ કરી નાખી દીકરીની હત્યા, બરાબર વિફર્યા સાસરિયા અને...
અમરેલીમાં ચોંકાવનારી ઘટના બની છે
રાજકોટ : અમરેલીમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક પરિવારે પોતાની જ સગર્ભા દીકરીનું ઓનર કિલિંગ કરી નાખ્યું હોવાની તેના સાસરિયાએ ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાથી ઉશ્કેરાયેલા પરિણીતાના સાસરિયાએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે અને તેના હત્યારાઓની ધરપકડ કરવા માગણી કરી છે.
પરિવાર હતો ગુસ્સામાં
મળતી માહિતી પ્રમાણે 25 વર્ષીય આ યુવતી ગર્ભવતી હતી, તેમ છતાંય તેના માતાપિતા અને ભાઈએ તેનું ગળું દબાવી તેને જાનથી મારી નાખી હોવાનો આરોપ તેમના પર લાગ્યો છે. આ મૃતક મહિલાનું નામ નયના ભાનુભાઈ દડુકિયા છે. તેણે પ્રકાશ ખેતરિયા નામના પોતાના પ્રેમી સાથે પરિવારજનોની મરજી વિરુદ્ધ ભાગી જઈને નવેમ્બર 2017માં લગ્ન કર્યા હતા.આ લગ્નથી નયનાના પરિવાજનો રાજી નહોતા. પરિવારના ડરને કારણે જ નયના અને તેનો પતિ છૂપાઈને રહેતાં હતાં. થોડા દિવસ પહેલા જ નયના અને તેનો પતિ અમરેલીના સોનારિયા ગામે આવ્યાં હતાં. નયના પોતાના સાસુને લઈને હોસ્પિટલ જઈ રહી હતી ત્યારે તેના પરિવારજનો તેને જોઈ ગયા હતા, અને ત્યારે જ તેઓ નયનાને જબરજસ્તીથી પોતાની સાથે લઈ ગયા હતા.
પતિનો આરોપ
પ્રકાશે આપેલી માહિતી પ્રમાણે તે જ્યારે નયનાને છોડાવવા માટે તેના ઘરે પહોંચ્યો ત્યારે તેના સાસરિયાએ તેને તેની જાતિ પર ગાળો બોલીને તેને કાઢી મૂક્યો હતો. એટલું જ નહીં તેને ચાકૂ બતાવી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઘટનાના થોડા સમય પછી નયનાનો મૃતદેહ તેના જ ઘરના પાછળના ભાગમાંથી મળ્યો હતો. નયનાના પતિ પ્રકાશે આ મામલે નયનાના માતાપિતા અને ભાઈ વિરુદધ ફરિયાદ નોંધાવી છે.