Naswadi ના લીંડા ગામે સ્કૂલમાં વિદ્યાર્થિનીઓને ભોજનમાં અપાય છે ઇયળ અને જીવડા! થાળીઓ વગાડી હોબાળો
ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ એજ્યુકેશન સોસાયટી આ નિવાસી શાળાનું સંચાલન કરે છે. આ સંકુલમાં ચાર શાળાઓ છે. જેમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને ગુણવત્તાવાળું ભોજન મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
જમીલ પઠાણ/છોટાઉદેપુર: લીંડા ગામે આવેલી નિવાસી શાળા સંકુલમાં વિદ્યાર્થિનીઓને જીવાત અને ઈયળો વાળું ભોજન આપવામાં આવતા વિરોધ કરવામાં આવ્યો છે. ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ એજ્યુકેશન સોસાયટી આ નિવાસી શાળાનું સંચાલન કરે છે. આ સંકુલમાં ચાર શાળાઓ છે. જેમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને ગુણવત્તાવાળું ભોજન મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
જો કે વિદ્યાર્થિનીઓનો આરોપ છે કે તેમને પુરતું ભોજન મળતું નથી. ભોજનમાં જીવાત અને ઈયળો પણ હોય છે. વિદ્યાર્થિનીઓએ તો ત્યાં સુધી આરોપ લગાવ્યો છે કે, જો તેઓ બીમાર પડે તો વાલીઓને મળવા પણ નથી દેવાતા. જેથી વિદ્યાર્થિનીઓએ થાળીઓ વગાડી સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો. શાળાના આચાર્યએ પણ સ્વીકાર કર્યો છે કે, વિદ્યાર્થિનીઓને આરોગ્યપ્રદ ભોજન મળી રહ્યું નથી, અને ઈજારદારને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
અત્રે નોંધનીય છે કે, ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત નસવાડી તાલુકાના લીંડા ગામે આવેલ નિવાસી શાળા સંકુલમાં રહેતી વિદ્યાર્થિનીઓને જીવાત અને ઇયળો વાળું ભોજન આપવામાં આવતું હોવાને લઈ વિદ્યાર્થીનીઓએ શાળા સંકુલમાં થાળીઓ વગાડી હોબાળો મચાવ્યો હતો. જેના કારણે સમગ્ર મામલો સામે આવ્યો છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે આદિવાસી વિદ્યાર્થીનીઓને રહેવા જમવાની ઉત્તમ સુવિધા સાથે અભ્યાસ કરી શકે તે માટે રાજી સરકારના આદિજાતિ વિભાગ દ્વારા કરોડોના ખર્ચે મોડેલ અને નિવાસી શાળા સંકુલો બનાવવામાં આવ્યા છે. રાજયના આદિજાતિ વિભાગના નેજા હેઠળ ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત નસવાડી તાલુકાના લીંડા ખાતેના (1) ઘારસીમેલ (2) પીસાયતા (3) ઘૂંટીયાઆંબા કન્યા સાક્ષરતા નિવાસી શાળા અને (4) મોડેલ સ્કૂલ નસવાડી આમ ચાર શાળાઓ આવેલી છે, જેમાં ત્રણ નિવાસી શાળામાં ધોરણ 6 થી 12 ની એક હજાર કરતાં વધારે આદિવાસી વિધ્યાર્થિનીઓ કેમ્પસમાજ રહીને અભ્યાસ કરે છે.
કેમ્પસમાં નિવાસ કરતી વિદ્યાર્થીનીઓને ગુણવત્તા યુક્ત શિક્ષણની સાથે ગુણવત્તા યુક્ત ખોરાક મળે તે માટે તેમણે બે ટાઈમ નાસ્તા અને બે ટાઈમના ભોજનમાં પોષણક્ષમ આહારના મેનૂ સાથે ભોજન આપવા માટેની ઉત્તમ વ્યવસ્થા પણ કરવામાં આવી છે, છ્તા લીંડા ખાતેના કેમ્પસમાં ભોજનની ગુણવત્તા સામે થાળીઓ વગાડી વિરોધ અને આક્રોશ વ્યક્ત કરી રહેલી વિધ્યાર્થિનીઓનો આરોપ છે કે અહી ભોજન બનાવનાર કોન્ટ્રાકટર દ્વારા વિધ્યાર્થિનીઓને મેનૂ પ્રમાણે નાસ્તો અને ભોજન બનાવવામાં આવતું ન હોવાનું અને પૂરતું ભોજન આપવામાં આવતું ન હોવાની સાથે ભોજનમાં દરરોજ જીવાત અને ઇયળો યુક્ત ભોજન આપવામાં આવી રહ્યું છે.
એક તરફથી કાચી તો એક તરફથી બળેલી રોટલીઓ હોવાને લઈ વિદ્યાર્થીનીઓ જમવાનું ટાળી રહી છે, અનેક વિદ્યાર્થીનીઓ બીમાર પડતાં જો તેમના વાલીઓ વિદ્યાર્થીનીઓને મળવા પણ નથી દેવાતા જેને લઈ તેમણે વારંવાર શાળાના આચાર્યને રજૂઆત કરવા છ્તા કોઈજ અમલ કરાતો નથી, ત્યારે આખરે વિધ્યાર્થિનીઓ એ વીફરી હતી અને જમવાનો ઇનકાર કરી થાળીઓ વગાડી સૂત્રોચ્ચાર કરી વિરોધ નોધાવ્યો છે.
મીડિયા સમક્ષ પોતાની આપવીતી જણાવતા વિદ્યાર્થીનીઓની પોક મૂકીને રડી પણ પડી હતી. પોતાની દીકરી બીમાર હોવાની જાણ થતાં કેટલાક વાલીઓ તેમની ખબર લેવા આવ્યા હતા, પરંતુ તેમણે તેમના વાળી સાથે મળવા ન દેવાતા વિદ્યાર્થીનીઓનો આક્રોશમાં આવી હતી અને આચાર્યનો ઘેરાવો કર્યો હતો.
જોકે ખુદ આચાર્ય આરોગ્યપ્રદ ભોજન અપાતું ન હોઈ ઇજારદારને અલટીમેટમ આપ્યું હોવાની વાતને સ્વીકારી રહ્યા છે ત્યારે આદિજાતિના વિકાસના બણગાં ફૂંકતા નેતાઓ અને વિભાગના તેમજ સંચાલન કરનાર એજ્યુકેશન સોસાયટીના અધિકારીઓ દ્વારા ઇજારદારો સામે કાર્યવાહી ન કરાતા અનેક સવાલો ઊભા થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube