જમીલ પઠાણ/છોટાઉદેપુર :હાલ સમગ્ર ગુજરાતમાં વેક્સીનેશન અભિયાન ચાલી રહ્યું છે. આ માટે અનેક શાળાઓને વેક્સીનેશન સેન્ટર તરીકે બનાવાઈ છે. હાલ ગુજરાતભરની અનેક શાળાઓમાં વેક્સીન આપવામાં આવી રહી છે. ત્યારે આજે બોડેલી તાલુકાના નાના અમાદરા પાસેના ગાંધીનગર પ્રાથમિક શાળામાં વેક્સીનેશન કાર્યક્રમ દરમિયાન અચાનક ઓરડાની છત તૂટી પડી હતી. છતની નીચે 7 લાભાર્થી તથા વેક્સીન આપનાર નર્સિંગ સ્ટાફ દબાયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોડેલી તાલુકાના નાના અમાદરા પાસેના ગાંધીનગર પ્રાથમિક શાળામાં હાલ વેક્સીનેશન કાર્યક્રમ ચાલુ છે. કોરોના રસીકરણનો રાખવામાં આવેલ કેમ્પમાં વેક્સીનેશન ચાલુ હતું, ત્યારે અચાનક એક ઓરડાની છત તૂટી પડી હતી. આ સમયે રૂમમાં 7 લાભાર્થીઓ વેક્સીન લેવા આવ્યા હતા, તે તમામ છતની નીચે દબાયા હતા. તો સાથે જ વેક્સીન આપનાર નર્સિંગ સ્ટાફ પણ છતની નીચે દબાઈ ગયો હતો. જોકે આ ઘટના બાદ ગ્રામજનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તમામને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, છત ફાઈબરની હોવાથી કોઈ જાનહાની થઇ ન હતી. પણ લાભાર્થી તથા નર્સિંગ સ્ટાફને નાની મોટી ઇજા થઇ હતી. 


ઉલ્લેખનીય છે કે આ ઓરડામાં ધોરણ 5 થી 7 ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પરંતુ કોરોના મહામારીમાં છેલ્લા એક વર્ષથી શાળાઓમાં શૈક્ષણિક કામગીરી બંધ છે. હાલ વિદ્યાર્થીઓ આવતા ન હોવાથી અહીં વેક્સીનેશન સેન્ટર શરૂ કરાયું છે. જોકે, હાલ ક્લાસરૂમ ચાલુ ન હોવાથી દુર્ઘટના ટળી હતી. ફાઇબર રુફ પડતા થોડા સમય માટે રસીકરણ બંધ કરવામાં આવ્યું હતું. જગ્યા બદલીને ફરી રસીકરણ શરુ કરવામાં આવ્યું છે.