તો વિધાનસભામાં કોંગ્રેસને નહીં મળે વિપક્ષ નેતાનું પદ, ઋષિકેશ પટેલે આપ્યું મહત્વનું નિવેદન
રાજ્યની વિધાનસભામાં વિપક્ષના નેતાનું પદ મેળવવા માટે કુલ બેઠકોની 10 ટકા બેઠકો જીતવી જરૂરી હોય છે. પરંતુ રાજ્યમાં ડિસેમ્બર 2022માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી માત્ર 17 બેઠકો જીતી શકી હતી.
ગાંધીનગરઃ ગુજરાતમાં વર્ષ 2022ના ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઈતિહાસ રચતા 156 સીટો સાથે સરકારમાં વાપસી કરી હતી. બીજીતરફ કોંગ્રેસે ગુજરાતની ચૂંટણીમાં પોતાનું સૌથી ખરાબ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના ખાતામાં માત્ર 17 બેઠકો આવી હતી. અનેક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ચૂંટણીમાં હારી ગયા હતા. રાજ્યમાં ચૂંટણી બાદ ધારાસભ્યોના શપથ માટે વિધાનસભાનં સત્ર મળ્યું હતું. હવે વિધાનસભાનું બજેટ સત્ર પણ ટૂંક સમયમાં શરૂ થવાનું છે. આ પહેલાં રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે મોટું નિવેદન આપ્યું છે.
શું બોલ્યા ઋષિકેશ પટેલ
ગુજરાતની વિધાનસભા ચૂંટણી બાદ ભૂપેન્દ્ર પટેલની સરકાર હવે બજેટ સત્રની તૈયારી કરી રહી છે. ટૂંક સમયમાં રાજ્યનું બજેટ પણ રજૂ થવાનું છે. ભાજપે તો 156 સીટો જીતીને સત્તામાં વાપસી કરી છે. પરંતુ વિધાનસભાની અંદર વિપક્ષના નેતાનું પદ ખુબ મહત્વનું હોય છે. જે પાર્ટીને ચૂંટણીમાં 10 ટકા કે તેનાથી વધુ સીટો મળી હોય તે પાર્ટીના નેતાને વિધાનસભામાં વિપક્ષના નેતા બનાવવામાં આવે છે. પરંતુ કોંગ્રેસ પાર્ટીએ માત્ર 17 સીટો જીતી છે. એટલે કે કોંગ્રેસ પાર્ટી ગુજરાત વિધાનસભામાં વિપક્ષ નેતાનું પદ મેળવી શકે તેવી સ્થિતિમાં નથી.
આ પણ વાંચોઃ આખરે સરકારી કર્મચારીઓના નસીબ ખૂલ્યા, પ્રમોશન માટે સરકારે લીધો આ નિર્ણય
આ વચ્ચે આજે કેબિનેટની બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યુ કે, લોકસભામાં 10 ટકાનો નિયમ છે, જો 10 ટકા સીટ ન હોય તો વિરોધ પક્ષના નેતાનું પદ મળતું નથી. તેમણે કહ્યું કે તેવી રીતે ગુજરાતમાં થશે. એટલે કે સરકારના પ્રવક્તા મંત્રી પ્રમાણે કોંગ્રેસને વિધાનસભામાં વિપક્ષના નેતાનું પદ મળવાનું નથી. ઋષિકેશ પટેલે ત્યારબાદ કહ્યું કે, આ અધિકાર વિધાનસભા અધ્યક્ષનો હોય છે અને તે નક્કી કરશે.
શું આવ્યું હતું ગુજરાતમાં ચૂંટણીનું પરિણામ?
ગુજરાતમાં ડિસેમ્બર 2022માં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. 1 અને પાંચ ડિસેમ્બરે રાજ્યમાં મતદાન થયું હતું. ત્યારબાદ 8 ડિસેમ્બરે ચૂંટણી પરિણામ સામે આવ્યું હતું. ચૂંટણી પરિણામમાં ભારતીય જનતા પાર્ટીએ તમામ રેકોર્ડ તોડી નાખતા 156 સીટો જીતી હતી. જ્યારે કોંગ્રેસના ખાતામાં માત્ર 17 બેઠકો આવી હતી. રાજ્યમાં પ્રથમવાર જોરશોરથી ચૂંટણી મેદાનમાં ઉતરેલી આમ આદમી પાર્ટીને 5 સીટો મળી હતી. જ્યારે ચાર બેઠકો અપક્ષને મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube