ગાંધીનગરમાં સંભળાશે ગીરના સિંહોની ગર્જના, ઈન્દ્રોડા પાર્કમાં લવાશે જૂનાગઢના સક્કરબાગમાંથી સિંહોની જોડી
સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ગાંધીનગર ખાતે આવેલા ઈન્દ્રોડા પાર્કમાં સિંહોને રાખવાની મંજૂરી આપી દીધી છે.
ગાંધીનગરઃ ગાંધીનગરના પ્રકૃતિ ઉદ્યાનમાં એશિયાટીક સિંહની ગર્જના તો સાંભળવા મળશે. સાથે જ સિંહ પણ જોવા મળવાના છે. કારણ કે પ્રકૃતિ ઉદ્યાનમાં એશિયાટીક સિંહની જોડી લાવવામાં આવવાની છે. આ જોડી જૂનાગઢના સક્કરબાગમાંથી લાવવામાં આવશે. રાજ્યના પાટનગરમાં પહેલીવાર આ જોડી આવી રહી હોવાના કારણે પ્રાણીસંગ્રહાલયના નિષ્ણાત તબીબોએ પણ ચકાસણી હાથ ધરી છે.
સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ગાંધીનગર ખાતે આવેલા ઈન્દ્રોડા પાર્કમાં સિંહોને રાખવાની મંજૂરી આપી દીધી છે. હવે બે-ત્રણ દિવસમાં સિંહની એક જોડી જૂનાગઢથી ગાંધીનગર લાવવામાં આવશે.
જૂનાગઢ ઝૂમાંથી જે સિંહ લાવવામાં આવશે તેને 21 દિવસ સુધી દેખરેખમાં રખાશે. આ દરમિયાન તબીબો અને વનવિભાગ સિંહનું નિરીક્ષણ કરશે. ત્યારબાદ લોકો સિંહના દર્શન કરી શકશે.
ગીરમાં સિંહોનું વેકેશન પૂર્ણ
ગીર અભયારણ્ય મંગળવારથી સહેલાણીઓ માટે ખુલ્લું મુકી દેવાયું છે. ગીરના રાજા એવા સિંહનું વેકેશન પુરું થતાં આજથી પ્રવાસીઓ માટે ગીરના દરવાજા ખુલી જશે. ચોમાસાના ચાર મહિના વન્ય પ્રાણીઓનો સંવનનનો સમય હોવાને કારણે તેમને એકાંત પુરું પાડવા માટે પ્રતિ વર્ષ આ સમયગાળા દરમિયાન ગીર અભયારણ્યને પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવતું હોય છે.
હવે, દિવાળીનું વકેશન નજીક આવી રહ્યું છે ત્યારે પ્રવાસીઓ માટે ફરવાનું આકર્ષક સ્થળ ખુલી ગયું છે. વર્ષોત્તર પ્રવાસીઓની સંખ્યામાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને આ વર્ષે સરકાર અને વન વિભાગ દ્વારા કેટલાંક ખાસ આકર્ષણ પણ વધારવામાં આવ્યાં છે.
રાજ્ય સરકાર દ્વારા પ્રવાસીઓને આપવામાં આવતી પરમીટની સંખ્યામાં વધારો કરાયો છે. અગાઉ રોજની 90ની પરમીટ આપવામાં આવતી હતી. જેમાં હવે 60નો વધારો કરીને રોજની કુલ 150 પરમીટ કરવામાં આવી છે.