ગાંધીનગરઃ ગાંધીનગર ખાતે રાહત નિયામક સી. સી. પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની મીટીંગ યોજાઈ હતી, જેમાં IMDના અઘિકારી એમ. મોહન્તીએ ચોમાસાનું ગુજરાતમાં આગમન થઇ ગયું છે, તેમ જણાવતા કહ્યું કે, આગામી પાંચ દિવસમાં સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ ૫ડવાની સંભાવના છે. જ્યારે સમગ્ર ચોમાસા દરમિયાન ૯૬ થી ૧૦૪ ટકા વરસાદ ૫ડવાની શક્યતા રહેલી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા ૨૪ કલાક રાજ્યમાં થયેલ વરસાદની માહિતી આપતાં રાહત નિયામકે જણાવ્યું હતું કે, સવારના ૬.૦૦ થી બપોરના ૨.૦૦ સુઘી રાજ્યમાં બે જિલ્લાઓના બે તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધારે ખેડા જિલ્લાના નડીયાદ તાલુકામાં ૦૭ મીમી. વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુઘી તા. ૧૪/૦૬/૨૦૨૨ અંતિત ૧૪.૪૫ મીમી વરસાદ થયો છે, જે છેલ્લાં ત્રીસ વર્ષની રાજ્યની સરેરાશ ૮૫૦ મીમી.ની સરખામણીએ ૧.૭૦ ટકા છે.


કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, ચાલું વર્ષે અંદાજીત ૨,૫૩,૦૨૯ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર તા. ૧૩/૦૬/૨૦૨૨ સુધીમાં થયું છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન ૨,૧૮,૫૫૪ લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૨.૯૩% વઘુ વાવેતર થયું છે.


આ પણ વાંચોઃ Breaking News: પાટીદાર આગેવાન નરેશ પટેલ રાજનીતિમાં જોડાશે નહીંઃ સૂત્રો


સિંચાઇ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, સરદાર સરોવર જળાશયમાં ૧૫૪૯૧૫ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશક્તિના ૪૬.૩૭ ટકા છે. રાજ્યનાં ૨૦૬ જળાશયોમાં ૧,૯૪,૯૫૪ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહશક્તિના ૩૪.૯૩ ટકા છે. હાલમાં રાજ્યમાં બે જળાશયો વોર્નીંગ પર છે. 


આ બેઠકમાં એન.ડી.આર.એફ, એસ.ડી.આર.એફ., ઉર્જા, માર્ગ અને મકાન, આરોગ્ય, વન વિભાગ, સી.ડબલ્યુ.સી, ઇસરો સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અઘિકારીઓએ ઉપસ્થિત રહી જરૂરી વિગતો પૂરી પાડી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube