કોરોનાકાળમાં ગરીબ પરિવારોના વ્હારે આવ્યા ચાંદોદના બ્રાહ્મણો, ફ્રીમાં કરશે વિધિ
યાત્રાધામ ચાંદોદના કર્મકાંડી બ્રાહ્મણો કોરોના કાળમાં જરૂરિયાતમંદ પરિવારના વ્હારે આવ્યા છે. તેમના દ્વારા નિશુલ્ક મરણોત્તર ક્રિયા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ચિરાગ જોશી/ડભોઈ :યાત્રાધામ ચાંદોદના કર્મકાંડી બ્રાહ્મણો કોરોના કાળમાં જરૂરિયાતમંદ પરિવારના વ્હારે આવ્યા છે. તેમના દ્વારા નિશુલ્ક મરણોત્તર ક્રિયા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગરીબ પરિવારોને મદદ કરવાનો બ્રાહ્મણોનો નિર્ણય
યાત્રાધામ ચાંદોદ દક્ષિણ ગુજરાતનું એકમાત્ર સ્થળ છે. જ્યાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓથી યાત્રાધામ ચાંદોદ ઉભરાઇ જાય છે અને વિધિવિધાન માટે સમગ્ર ભારતભરમાંથી અહીં લોકો આવી પહોંચે છે. જેમાં અનેક પરિવારો એવા પણ હોય છે કે તેઓના સ્વજનોની અંતિમ ક્રિયા માટે પણ તેમની પાસે રૂપિયા હોતા નથી. ત્યારે યાત્રાધામ ચાંદોદના બ્રાહ્મણોની નજરે આવા કેટલાય પરિવારો આવે છે, જેઓના સ્વજનોની અંતિમ ક્રિયા માટે રૂપિયા હોતા નથી. જેથી આવા ગરીબ લોકો સામાજિક સંસ્થાઓ તેમજ મિત્ર વર્તુળ દ્વારા લોકફાળો ભેગો કરી અંતિમ ક્રિયા માટે યાત્રાધામ ચાંદોદ ખાતે આવતા હોય છે. તેથી દક્ષિણ પ્રયાગના યાત્રાધામ ચાંદોદના કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા આવા પરિવારોની વ્હારે આવી જરૂરિયાત મંદ પરિવારો માટે નિશુલ્ક મરણોત્તર ક્રિયા સાથે ક્રિયાઓ બાદ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો : વલસાડના દરિયાકાંઠે તણાઈ આવ્યા 6 મૃતદેહો, મુંબઈના ડૂબેલા જહાજના ક્રુ મેમ્બર્સ હોવાની શક્યતા
કોરોનામાં સ્વજન ગુમાવે, અને બીજી તરફ અંતિમ ક્રિયા માટે રૂપિયા પણ નહિ
એટલું જ નહિ, હાલ કોરોનાકાળ ચાલી રહ્યો છે. જેમાં અનેક વેપાર-ધંધા બંધ છે. સાથે સાથે કોરોના કાળમાં સમગ્ર ભારતભરમાં અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. ત્યારે એક બાજુ પોતાના સ્વજનોને ગુમાવ્યાનું દુઃખ, અને જ્યારે બીજી બાજુ અંતિમ ક્રિયા માટે પણ નાણાં ભીડની સમસ્યા લોકોને હોય છે. જેને પગલે અનેક પરિવારો પર દુઃખનો આભ તૂટી પડતો હોય છે. આવામાં યાત્રાધામ ચાંદોદના બ્રાહ્મણો દ્વારા લેવાયેલો નિર્ણયે માનવતાની મહેક પ્રસરાવી દીધી છે.
આ પણ વાંચો : બે મહિના બાદ પ્રવાસીઓ માટે ખૂલ્યુ ગુજરાતનું આ ફેમસ હિલ સ્ટેશન
કોરોનાએ ભૂજના ભૂકંપની યાદ અપાવી
આ વિશે યાત્રાધામ ચાંદોદના બ્રહ્મ સમાજના પ્રમુખ દિલીપ જોશીએ જણાવ્યું હતું કે, જ્યારે ગુજરાતના ભૂજમાં ભૂકંપ આવ્યો હતો, તેમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. તે સમયે યાત્રાધામ ચાંદોદ ખાતે વહેલી સવારથી જ લોકો મરણોત્તર ક્રિયા માટે આવતા હતા. પરંતુ હાલ જે પ્રકારની કોરોનાની સ્થિતિ છે તે ભૂકંપ કરતાં પણ ખૂબ જ ગંભીર છે. કારણકે કોરોના કાળમાં અનેક લોકોના વેપાર-ધંધા બંધ છે. જેથી કોઈ પણ જરૂરિયાતમંદ પરિવાર હોય કે જેની પાસે મરનારની ક્રિયાના રૂપિયા ના હોય તેવા લોકોએ યાત્રાધામ ચાંદોદના બ્રાહ્મણોનો સંપર્ક કરવો. અમે નિશુલ્ક વિધિ કરાવી આપીશું.
આ પણ વાંચો : સરકારની રણનીતિ માત્ર જાહેરાત બની, એલજી હોસ્પિટલ બહાર લાગ્યું ‘No Injection available’ નું બોર્ડ