ધવલ પરીખ/નવસારી: છેલ્લા 10 વર્ષોમાં બદલાતુ વાતાવરણ ખેતી પર મોટી અસર કરી રહ્યુ છે. ગત ફેબ્રુઆરીમાં પડેલી વધુ ગરમી અને જુલાઈમાં પડેલા ભારે વરસાદ સાથે પુરને કારણે ખરણ વધતા ઓક્ટોબરમાં શરૂ થતી ચીકુની સીઝનમાં જ ઉત્પાદન 4 ગણુ ઘટવાની સંભાવના છે. જેની સામે અત્યારે નવા ફૂલ આવતા ફેબ્રુઆરીથી શરૂ થતી સીઝનમાં 4 ગણુ ઉત્પાદન વધશે. જેના કારણે સારો ભાવ મળવાની આશા હોય, ત્યારે ઉત્પાદન નથી અને જ્યારે વધુ ઉત્પાદન આવશે ત્યારે ભાવ નહીં મળે, જેથી બંને સીઝનમાં ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતમાં ચાર મહિનાની ત્રણ મોસમ છે, પણ છેલ્લા થોડા વર્ષોમાં બદલાતા વાતાવરણે દરેક મોસમને વહેલી કરી દીધી છે અને તેની અસર ખેત ઉપજ પર થઈ રહી છે. નવસારીનો ગણદેવી તાલુકો બાગાયતી ફળો માટે જાણીતો છે, જેમાં ચીકુ બારે માસ થાય છે અને સમગ્ર ભારતમાં અમલસાડી ચીકુની માંગ રહે છે. 


ગત વર્ષે ફેબ્રુઆરીમાં ગરમી એકદમ વધી જતાં ચીકુના ફલીનીકરણ પર અસર થઈ હતી. ત્યારબાદ ફળ લાગવાની શરૂઆત થઈ, ત્યારે જુલાઈમાં વધુ પડતા વરસાદ સાથે અંબિકા નદીમાં આવેલા પુરને કારણે ચીકુમા ખરણ વધ્યુ હતું, સાથે જ ફૂગજન્ય રોગ લાગ્યો અને જીવાત પણ લાગતા હાલમાં ચીકુનું ઉત્પાદન 4 ગણુ ઘટે એવી સંભાવના વધી છે. જેની સામે અત્યારે થયેલા ફ્લીની કરણથી આવતા વર્ષે ફેબ્રુઆરીથી મે મહિના સુધીમાં 4 ગણુ ઉત્પાદન મળવાની સંભાવના છે. જેથી ચીકુના ખેડૂતોની ચિંતા વધી છે. સાથે જ બદલાતા વાતાવરણની અસરથી પાક ઘટે અથવા વધે પણ આર્થિક નુકશાની તો ખેડૂતોને જ વેઠવી રહી, જેથી સરકાર યોગ્ય સહાયતા જાહેર કરે એવી આશા ખેડૂતો સેવી રહ્યા છે.


બદલાતા વાતાવરણને જોતા કૃષિ નિષ્ણાંતો ખેડૂતોને સતર્ક સતર્ક હેવાની સલાહ આપી રહ્યા છે. ખાસ કરીને ચીકુની બે મુખ્ય સીઝન છે, જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ફલીનીકરણની પ્રક્રિય શરૂ થાય એ 8 થી 9 મહિને ફળ આપે છે અને ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીમાં પાક ઉતરે છે, જ્યારે બીજી સીઝનમાં જુલાઈ-ઓગસ્ટમાં ફલીનીકરણ થાય અને ફેબ્રુઆરીથી મે સુધી રહે છે. જેમાં બદલાતા વાતાવરણને કારણે બે જીવાત બરદબોર અને ચીકુમોરને કન્ટ્રોલ કરવા જોઈએ, જેના માટે વૈજ્ઞાનિકો રાસાયણિક દવાના છંટકાવની સલાહ આપે છે, જેથી વ્યવસ્થિત ફલીનીકરણ થાય અને ઉત્પાદન પણ સારૂ રહે.


બદલાતા વાતાવરણે પરંપરાગત રીતે થતી ખેતીમાં હવે બદલાવ કરવાની જરૂરિયાત ઉભી કરી છે. વહેલી શરૂ થતી મોસમ ખેતીને મોટી અસર કરી રહી છે, ત્યારે કૃષિ વૈજ્ઞાનિકોની સલાહ મુજબ ખેતી કરતા થાય, તો જ સારૂ ઉત્પાદન અને બજાર સાથે ભાવ પણ મેળવી શકે એમ છે.


જુઓ આ પણ વીડિયો:-