AMCના મેડિકલ ઓફિસર અને પેરામેડિકલ ઓફિસરના ઇન્ટરવ્યૂમાં પડાપડી, આખરે પોલીસ પડી વચ્ચે
354 મેડિકલ ઓફિસર અને 354 પેરામેડિકલ સ્ટાફની ભરતી પ્રક્રિયા કરવામાં આવી હતી અને માત્ર ઇન્ટરવ્યૂ પર 11 માસના કરાર આધારિત જગ્યા ભરવા જાહેરાત બહાર પાડવામાં આવી છે.
ગૌરવ પટેલ, અમદાવાદ : આજે અ.મ્યુ.કો. અર્બન હેલ્થ સોસાયટી દ્વારા મેડિકલ ઓફિસર અને પેરામેડિકલ ઓફિસર માટે કરાર આધારીત ભરતીના વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં હતા જેમાં મોટી સંખ્યામાં યુવકો અને યુવતીઓ ઉમટી પડ્યા હતા. કોરોનાના દર્દીઓની સારવાર માટે મેડિકલ ઓફિસર બનવા આવેલા આ યુવકો અને યુવતીઓ ઝેરોક્ષની દુકાનમાં ટોળે વળ્યા હતા અને છડેચોક કોરોના બચાવની ગાઇડલાઇન્સનો ભંગ કરી રહ્યા હતા. આમ, મહાનગર પાલિકાન સુચનાનો આરોગ્યભવનમાં જ ભંગ થઈ રહ્યો હતો અને મુખ્ય આરોગ્ય અધિકારીની કચેરીની બહાર મોટી ભીડ લાગી હતી.
ઝી 24 કલાકના ખાસ રિપોર્ટ પછી આ મામલે પોલીસ સક્રિય બની હતી અને કડક વલણ અપનાવ્યું હતું. તેમણે ભરતી માટે એકઠા થયેલા લોકો પાસે એક મીટરનું અંતર રાખીને લાઇન કરાવી હતી અને ઝેરોક્ષની દુકાનમાં પણ લાઇન કરવામાં આવી હતી.
રાજ્યમાં કોરોનાનો આતંક હવે ત્રીજા તબક્કામાં સતત વધવાનો છે એવી ચેતવણીના પગલે AMC હવે રાતોરાત મેડિકલ ઓફિસર અને પેરામેડિકલ ઓફિસરની ભરતી કરી રહ્યું છે. કોરોના વાઇરસના કેસો રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદમાં વધી રહ્યા છે. SVP હોસ્પિટલમાં અને સિવિલમાં હાલ આઇસોલેશન વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે. જૂની વીએસ હોસ્પિટલમાં પણ નવા આઇસોલેશન વોર્ડ ઉભા કરવાની તૈયારી કરવામાં આવી છે. આ સંજોગોમાં વધારે મેડિકલ સ્ટાફની જરૂર પડશે અને એટલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
354 મેડિકલ ઓફિસર અને 354 પેરામેડિકલ સ્ટાફની ભરતી પ્રક્રિયા કરવામાં આવી હતી અને માત્ર ઇન્ટરવ્યૂ પર 11 માસના કરાર આધારિત જગ્યા ભરવા જાહેરાત બહાર પાડવામાં આવી છે. સોમવારે સવારે 10.30 વાગ્યાથી આસ્ટોડિયા ગીતામંદિર રોડ પર આરોગ્ય ભવન ખાતે આ ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube