જામનગર: ગોરધનપર પાસે ઈંડાકળીની રેંકડીએ યુવાનની કરપીણ હત્યા, ચારણ સમાજ આકરા પાણીએ!
ચારણ સમાજે પોલીસ દ્વારા ફરિયાદમાં ત્રણ આરોપીઓની જગ્યાએ પાંચથી વધુ આરોપીઓ હોય ત્યારે ફરિયાદમાં વધુ આરોપીઓનો ઉમેરો કરવા દોષીતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આજે વિશાળ રેલી કાઢી.
મુસ્તાક દલ/જામનગર: જામનગર તાલુકાના ગોરધનપર પાટીયા નજીક બંગાળીની હોટલ પાસે ઇંડા કરીની લારીએ જમવાના ઓર્ડર બાબતે ચારણ સમાજના એક યુવકની કરપીણ હત્યા થઈ હતી. આ હત્યાના બનાવમાં ચારણ સમાજે પોલીસ દ્વારા ફરિયાદમાં ત્રણ આરોપીઓની જગ્યાએ પાંચથી વધુ આરોપીઓ હોય ત્યારે ફરિયાદમાં વધુ આરોપીઓનો ઉમેરો કરવા દોષીતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આજે વિશાળ રેલી કાઢી જિલ્લા પોલીસવડાની કચેરી ખાતે રજૂઆત કરી હતી.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ત્રણ દિવસ પહેલા જામનગર તાલુકાના ગોરધન પર પાટીયા નજીક આવેલ બંગાળીની હોટલે ઈંડા કરીની લારીએ જમવાના ઓર્ડર આપવા બાબતની સામાન્ય બોલાચાલીમાં 5 જેટલા શખ્સોએ મારામારી કરી છરી વડે હુમલો કરતા ચારણ યુવકનું સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું.
આ હત્યાના બનાવમાં પોલીસ ફરિયાદમાં 3 જેટલાં જ આરોપીઓના નામનો ઉલ્લેખ કરાયો છે, જ્યારે આ ઘટનામાં 5 કે 5 થી વધુ આરોપીઓ હોય તેમજ ત્રણ દિવસ થઈ ચુક્યા હોય છતાં પોલીસ હજુ પણ આરોપીઓને ઝડપી પાડવામાં નિષ્ફળ ગઈ હોય આજરોજ સમસ્ત ચારણ સમાજ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે એકત્ર થઇ આરોપીઓના નામ પોલીસ ફરિયાદમાં દાખલ કરવા અને આરોપીઓને તાત્કાલીક ઝડપી પાડવા રજૂઆત કરી છે.