છારાનગર મામલોઃ પોલીસ પર થયેલા હુમલાની તપાસ SOG કરશે
છારાનગરના લોકોએ પોલીસ પર કરેલા કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.
ઉદય રંજન/અમદાવાદઃ છારાનગરમાં પોલીસ પર થયેલા હુમલા બાદ પોલીસે કરેલા દમનનો મામલો હાલ ચર્ચામાં છે. આ મામલે ન્યાય મેળવવા માટે છારા નગરના લોકોએ મૌન રેલી અને પોલીસ દમનના વિરોધમાં બેસણું યોજ્યું હતું. ત્યારબાદ પોલીસ કમિશનરે આ મામલે ગંભીર નોંધ લીધી છે. આ ઘટના બાદ બંન્ને તરફથી સામ-સામી ફરિયાદ કરવામાં આવી હતી. તો આ અંગે પોલીસ કમિશનર એકે. સિંઘે નિર્ણય લેતા પોલીસ દ્વારા કરવામાં આવેલી ફરિયાદની તપાસ SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ને સોંપવાનો નિર્ણય કર્યો છે. એસઓજીના એસીપી બલદેવસિંહ સોલંકી આ કેસની તપાસ કરશે. તેમને આદેશ મળ્યા બાદ બલદેવસિંહે છારાનગરની મુલાકાત લીધી હતી.
તો બીજીતરફ છારાનગરના લોકોએ પોલીસ પર કરેલા કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. ક્રાઇમબ્રાન્ચના ડીસીપી દિપન ભદ્રન આ કેસની તપાસ કરશે.
મહત્વનું છે કે ગત ગુરૂવારે છારાનગર વિસ્તારમાં પોલીસ દારૂ મામલે રેડ કરવા ગઈ હતી ત્યારે પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણ થયું હતું. બાદમાં આ વાતનો ખાર રાખીને પોલીસે છારાનગર વિસ્તારમાં મનફાવે તેમ વાહનોમાં તોડફોડ કરી હતી જેના સીસીટીવી પણ સામે આવ્યા હતા. રવિવારે લોકોએ વિરોધ નોંધાવવા રેલી પણ યોજી હતી. આ મામલે બન્ને તરફથી ફરિયાદ નોંધાઈ છે.