અજય શીલુ, પોરબંદર: નીરમા ગૃપ સંચાલિત સૌરાષ્ટ્ર કેમિકલ્સ કંપનીમાં ગત મોડી રાત્રીના અકસ્માતની ઘટનામાં એક યુવાન એન્જીનિયરનું મોત નિપજ્યું હતું. મૂળ સુરતનો વતની અને છેલ્લા 11 માસથી ટ્રેઇની એન્જીનીયર તરીકે સૌરાષ્ટ્ર કેમિકલ્સ કંપનીમાં કામ કરતા 22 વર્ષિય નિકુંજ રાણા રાવલ નામના એન્જીનિયરનું કપંનીમાં કામગીરી દરમિયાન પાંચમા માળેથી નીચે પટકાતા મોત નિપજ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ગત મોડીરાત્રીના બનેલ આ બનાવ અંગે સુરત જિલ્લામાં રહેતા તેમના પરિવારજનોને જાણ કરતા સુરતથી મૃતકના પરિવારજનો પોરબંદર સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. હોસ્પિટલ ખાતે પહોંચેલા પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર કરવાનો ઇન્કાર કરતા જણાવ્યું હતું કે, જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારીએ. 


પરિવારજનોએ એવું પણ જણાવ્યું હતું કે, કંપની દ્વારા અમોને એવું જણાવવામાં આવ્યું હતું કે,નિકુંજને હાથમાં ફેક્ચર થયું છે તેવુ કહેવામાં આવ્યું હતું અને ત્યારબાદ અમારા ફોન પણ ઘણો સમય સુધી ઉઠાવવામાં આવ્યા ન હતા. જ્યાં સુધી મોતનું સાચું કારણ અને ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારીએ તેમ પરિવારજનોએ જણાવ્યું હતું. ઉલેખ્ખનીય છે કે, નીરમા કેમીકલ્સમાં આ પહેલા પણ અનેક વખત અકસ્માતના બનાવો બન્યા છે તેમાં ત્યાં કામ કરતા કર્મચારીઓએ પોતાનો જીવ ગુમાવ્યા છે. થોડા સમય પૂર્વે અકસ્માતના કારણે કંપની 6 માસ જેટલો સમય બંધ પણ કરવામાં આવી હતી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube