અમદાવાદઃ એક તરફ ચાલુ વર્ષે વરસાદ ઓછો નોંધાયો છે ત્યારે બીજી તરફ સરકારે ખેડૂતો પર ખાતર વધારાનો માર માર્યો છે.  કેમ કે રાસાયણિક ખાતરના ભાવમાં ફરી વધારો ઝીંકાયો છે. NPK ખાતરમાં પ્રતિ બેગ 60 રૂપિયાનો વધારો કરતા હવે NPK ખાતરની એક બેગનો ભાવ 1,340 રૂપિયા થયો છે. તો DAP ખાતરમાં પ્રતિબેગ 60 રૂપિયાનો વધારો કરાતા DAP ખાતરની એક બેગનો ભાવ 1400 થયા છે. સાથે જ પોટાશ ખાતર બેગમાં 230 રૂપિયાનો વધારો થતાં પોટાશ ખાતરની એક બેગનો ભાવ 950 રૂપિયા થયો છે. ખાતરના ભાવમાં એક મહિના પહેલા જ વધારો કરાયો હતો. ત્યારે ફરી રાસાયણિક ખાતરના ભાવ વધતાં ખેડૂતોમાં ભારોભાર રોષ દેખાઈ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાતરમાં થયેલા ભાવવધારા અંગે કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસ પ્રવકતા મનીષ દોશીએ નિવેદન આપ્યું છે. જેમાં તેમણે જણાવ્યું કે ખેડૂતો મોંઘવારીનાં મારથી પરેશાન છે. સિંચાઇ અને મોંઘી વિજળી બાદ ખેડૂતોને વધુ એક ઝટકો લાગ્યો છે. ખેડૂતોની હેરાનગતિમાં વધારો કરતો સરકારનો નિર્ણય છે. મોટાપાયે ખાતરનાં ભાવમાં વધારો કરાયો છે. ઉપરાંત ખાનગી ફર્ટિલાઇઝર કંપનીને ફાયદો કરાવવા ભાવવધારો કરાયો હોવાનો આરોપ પણ કોંગ્રેસ પ્રવકતા મનીષ દોશીએ સરકાર પર લગાવ્યો હતો.


ખાતરનાં ભાવવધારાથી ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ અજાણ હોવાની વાત સામે આવી છે. મહેસાણા જિલ્લાની બૃહદ કારોબારીમાં ગુજરાતનાં ડેપ્યુટી સી.એમ નીતિનભાઇએ નિવેદન આપતા જણાવ્યું કે ખાતરમાં ભાવવધારો થયાની તેમને ખબર ન હોવાની વાત તેમણે જણાવી હતી. પેટ્રોલનાં ભાવ વધતા ખાતરનાં ભાવ વધ્યાં હશે તેવું નિવેદન Dy.CM નીતિનભાઇએ મહેસાણા જિલ્લાની બૃહદ કારોબારીમાં આપ્યું હતું. જેને લઇને ચર્ચાનો માહોલ સર્જાયો હતો.