મૌલિક ધામેચા/અમદાવાદ: બોટાદ કેમિકલકાંડથી સમગ્ર રાજ્ય હચમચી ગયું છે. આ દર્દનાક ઘટનામાં અત્યાર સુધી 43 લોકોના કરૂણ મોત થયા છે, જેમના કારણે અનેક પરિવારના ઘર ઉજળી ગયા છે, કોઈ બહેને ભાઈ ગુમાવ્યો છે તો કોઈએ પોતાનો પતિ, આ દુનિયામાં હજું પિતાનો પ્રેમ શું હોય એવા બાળકોએ પોતાના પિતા પણ ગુમાવ્યા છે. ત્યારે એક એક ઘરની કહાની સાંભળવા બેસીએ તો આપણા રૂવાટા ઉભા થઈ જાય તેમ છે. કેમિકલકાંડમાં સૌથી વધુ મોત બોટાદમાં થયા છે. બોટાદમાં 32 અને અમદાવાદમાં 11 વ્યક્તિઓના મોત થયા છે. આ ઘટનામાં પોલીસે મોટી કાર્યવાહી કરતા 15 જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઈએ કે, ગઈકાલે (બુધવાર) ગજુબેન અને પીન્ટુ ગોરહવાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે બંને આરોપીઓના 10 દિવસની રિમાન્ડની માંગણી વચ્ચે કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારે આજે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. કેમિકલ કાંડ મામલે બરવાળા પોલીસે વધુ 7 આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સાતેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા છે. આરોપી અજિત ઉર્ફે દાજી , ચમન ડાબસરા ,વિજય પઢીયાર,સતુભા લાલુભા બોટાદમાં મિથેનોલ આપ્યો હોવાનો આરોપ લાગ્યો છે. આરોપીને કોર્ટમાં રજૂ કરી આમના પણ 10 દિવસના રિમાન્ડ માંગવામાં આવશે. પરંતુ કોર્ટે સાતેય આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.


પકડાયેલ સાતેય આરોપીઓ


1) વિજય ઉર્ફે લાલો પઢિયાર
2) ભવાન ડાબસરા 
3) સંજય કુંમરખાણીયા 
4) અજિત ઉર્ફે દાજી કુંમરખાણીયા
5) જટુભા રાઠોડ 
6) નસીબ ગોરાસવા
7) ચમન કુંમરખાણીયા



ગૃહ વિભાગની મોટી કાર્યવાહી
ઉલ્લેખનીય છે કે, બોટાદ કેમિકલકાંડ મામલે ગૃહ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. બોટાદના બરવાળાના કેમિકલકાંડમાં પોલીસકર્મીઓ પર ગાજ પડી છે. રાજ્ય સરકારે કેમિકલ કાંડમાં મોટી કાર્યવાહી કરીને 2 SPની બદલી કરી દીધી છે, જ્યારે 6 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા છે. SPની બદલીની વાત કરીએ તો બોટાદના SP કરનરાજ વાઘેલાની બદલી ગાંધીનગરમાં  સરકારી સંપતિના સુરક્ષા વિભાગના કમાન્ડન્ટ તરીકે બદલી કરાઈ છે, જ્યારે અમદાવાદ ગ્રામ્ય SP વિરેન્દ્રસિંહ યાદવની અમદાવાદ મેટ્રોના સિકયોરિટી કમાન્ડન્ટ તરીકે બદલી કરવામાં આવી છે.


ગૃહવિભાગે કેમિકલ કાંડમાં 6 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ પણ કર્યા છે. જેમાં બોટાદ DYSP એસ.કે. ત્રિવેદી, ધોળકા DYSP એન.વી.પટેલ અને ધંધૂકા PI કે.પી.જાડેજાને  સસ્પેન્ડ કરાયા છે. તો સાથે જ બરવાળા PSI ભગીરથસિંહ ગંભીરસિંહ વાળા અને રાણપુર PSI શૈલેન્દ્રસિંહ દિલુભા રાણાને સસ્પેન્ડ કરાયા છે. આ ઉપરાંત પોલીસકર્મી સુરેશકુમાર ચૌધરીને પણ સસ્પેન્ડ કરી દેવાયા છે. 


મહત્વનું છે કે ગૃહરાજ્ય મંત્રી સંઘવીના બદલે મંગળવાર મોડીરાતના 3 વાગ્યા સુધી બેઠક ચાલી હતી. જેમાં વિગતે ચર્ચા કરાઈ હતી. જે બાદ વહેલી સવારે ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ચાલતા મુખ્યમંત્રીના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. જ્યાં સીએમ સાથે બેઠકમાં થયેલી ચર્ચા અંગે માહિતગાર કર્યા હતા. જે બાદ તમામ પોલીસ કર્મીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવી હતી.



પ્રદેશ કોંગ્રેસ ડિલીગેશન રોજિંદની મુલાકાતે
બરવાળા કેમિકલકાંડ મામલે પ્રદેશ કોંગ્રેસ ડિલીગેશન રોજિંદની મુલાકાતે પહોંચ્યું છે. પ્રદેશ કાર્યકારી પ્રમુખ ઋત્વિક મકવાણા, અમરીશ ડેર, પ્રતાપ દુધાત, લલીત કગથરા, રાજેશ ગોહિલ સહિતના નેતાઓએ રોજિંદની મુલાકાત લીધી છે. કોંગ્રેસ ડિલીગેશન રોજિંદ સહિતના ગામોમાં મૃતકના પરિવારોની મુલાકાત લીધી છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર આને કેમિકલ કાંડ ન કહે, આ ઘટનામાં ગરીબ માણસોના જીવ ગયા છે, અપમૃત્યુ કેસ ના ગણાવતા.


કોંગ્રેસ ડિલીગેશને જણાવ્યું હતું કે, આ ઘટનામાં સરકાર સહાય જાહેર કરે. કોંગ્રેસના ડિલીગેશન ધારાસભ્યોએ ધારાસભ્ય તરીકે 1 મહિનાનો પગાર આપવાની જાહેરાત કરી હતી. BJP આવા સમયે અરજી કરી ધ્યાન દોરનાર વ્યક્તિને દબાવવા પ્રયત્ન કરે છે. તેમણે જણાવ્યું હતું કે, આ ઘટનામાં જે આરોપી પકડ્યા છે, અધિકારીઓની બદલી બાદ મોટા માથાઓ છૂટી ના જાય તેનું ધ્યાન રાખે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube