સલમાન મેમણ/છોટાઉદેપુર :છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આવેલ મેણ નદીમાં ચોમાસા દરમિયાન પાણી આવતા કેટલીય વાર લોકો સંપર્ક વિહોણા બની જાય છે. જે બાબતે વારંવાર રજૂઆત સરકારમાં કરવામાં આવતા સરકારે પાંચ કરોડના ખર્ચે નદી પર પૂલ બનાવવાની મંજૂરી આપી કામ પણ શરુ કરી દેવામાં આવ્યું હતું. પણ તો શું કારણ બન્યુ કે જે કામ કોન્ટ્રાકટરને સોંપવામાં આવ્યું હતું તે કામ છોડીને જતો રહ્યો છે. છેલ્લા છ માસથી કામ અધૂરું છે. હવે લોકોએ પણ આશા છોડી દીધી છે કે ચોમાસા પહેલા આ પુલનું કામ પૂર્ણ નહિ થાય. એટલે હવે આગામી ચોમાસું પણ આવુ ને આવુ જ નીકળી જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખુશાલપુરા અને ગઢ ગામ વચ્ચેથી પસાર થતી મેણ નદી ઉપર વર્ષોથી લો લેવલનો કોઝવે બનાવેલો છે. જે કોઝવે પરથી લગભભ 100 જેટલા ગામના લોકો પસાર થાય છે. ઉનાળા અને શિયાળાના સમયે આ ગામના લોકોને અવરજવરમાં ખાસ મુશ્કેલી પડતી ન હતી, પરંતુ ચોમાસાના ચાર માસ આ વિસ્તાર ના લોકો ખૂબ મુસીબતનો પહાડ તૂટી પડે છે. ચારો તરફ ડુંગરો આવેલા હોઈ પસાર થવા માટે બીજો રસ્તો પણ નથી. જેથી એક માત્ર આ રસ્તાનો સહારો છે. ચોમાસા દરમિયાન જ્યારે પણ મેણ નદીમાં પાણી આવે છે, ત્યારે લોકોને લો લેવલના કોઝવે ઉપરથી પસાર થવું મુશ્કેલ બને છે. અને કેટલીક વાર પાણી લો લેવલના કોઝવે ઉપરથી ના ઉતરતા બે થી ત્રણ દિવસ સુધી લોકો અટવાઈ પણ જાય છે. જેને લઇ તંત્રમાં વારંવાર રજૂઆત કરી અંતે નદી પર પાંચ કરોડના ખર્ચે પુલ બનાવવાનું નક્કી કારવામાં આવ્યું અને કોન્ટ્રાક્ટરને કામ પણ સોંપવામાં આવ્યું. 95 મીટર લાંબા પુલની કામગીરી જૂન 2021 માં પૂર્ણ થઈ ગઈ છે. પુલના નિર્માણ કામ પૂર્ણ નથી થયું અને છેલ્લા છ માસથી કામ બંધ છે. જે કામગીરી કારીગરો કરતાં હતા તે કારીગરો પણ છેલ્લા છ માસથી બેસી રહ્યા હોઈ હવે અહીથી જતાં રહ્યા છે. 


આ પણ વાંચો : ટ્રાવેલ્સમાં કામ કરતો યુવક જ નીકળ્યો મોરબીની આંગડિયા પેઢીની કરોડોની લૂંટનો માસ્ટરમાઈન્ડ


પુલના સ્તંભ ઊભા કરી દેવામાં આવ્યા છે અને કામગીરી માટેના સળિયા અને લોખંડ પડેલ છે. પણ કોઈ કામગીરી કરવામાં ના આવતા લોકોમાં નારાજગી વ્યાપી ગઈ છે. લોકોને એ વાતની ખબર નથી પડતી કે, આખરે કામ કેમ બંધ છે. કેટલાક લોકો તો એ પણ કહી રહ્યાં છે કે કોન્ટ્રાકટર ખોવાઈ ગયો છે. સરકાર આ ખોવાઈ ગયેલ કોન્ટ્રાકટરને શોધી તાત્કાલિક કામ શરૂ કરાવે. 


બંધ કામગીરીને જોતાં પુલ ચોમાસાની શરૂઆત પહેલા કોઈ પણ સંજોગોમાં પૂર્ણ થાય તેમ લાગતું તો નથી પણ, ગામ લોકો છ માસથી બંધ પડેલ કામગીરી ફરીથી શરૂ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. ચોમાસા દરમિયાન આ લો લેવલના કોઝવે પરથી સ્કૂલના બાળકો નસવાડી ખાતે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ લેવા હોય છે. તેમજ કોઈ પ્રસૂતાને હોસ્પિતાલ પર લઈ જવાનો વારો આવે તો ભારે મુશ્કેલીનો સામનો તેમના પરિવારજનો કરતાં હોય છે. 


100 ગામોને જોડતા આ રસ્તા પર પુલ જલદી બને તેવી ગામ લોકો માંગ કરી રહ્યાં છે અને જલ્દી જે કોન્ટ્રાક્ટરને કામ સોંપ્યુ છે તેની પાસે કામ શરૂ કરાવે.