જમીલ પઠાણ/છોટાઉદેપુર :છોટાઉદેપુર જિલ્લાનો સૌથી મોટી સુખી સિંચાઇ જળાશય યોજનાનો ડેમ છલકાઈ ગયો છે. પાણીની વધુ આવક થતા ડેમના બે ગેટ ખોલવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છોટાઉદેપુર જિલ્લાનો સૌથી મોટો સુખી ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થતાં ડેમના એક પછી એક કુલ બે ગેટ 15 સેન્ટીમીટર ખોલવાની ફરજ પડી છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા નીચાણવાળા ડુંગરવાટ, ઘૂંટીયા, ગંભીરપુરા, ઘૂટનવડ, નાનીબેજ, મોટીબેજ, સિંહોદ સહિતના 19 ગામોને હાઇ એલર્ટ કરવામાં આવ્યા છે. ડેમમાં હાલ 147.78 મીટર પાણીની સપાટી છે, અને ડેમમાં હાલ 162.251 મિલિયન ક્યુબીક મીટર લાઈવ સ્ટોરેજ છે. ડેમ ભરાતા પંથકના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. સુખીડેમની સુખી સિંચાઇ જળાશય યોજના થકી છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લાના 17 હજાર હેક્ટર વિસ્તારમાં સીંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે. છોટાઉદેપુર તાલુકામાં અત્યારસુધી 138.71 ટકા, જ્યારે કે પાવીજેતપુરમાં 100.38 ટકા સરેરાશ વરસાદ નોધાઈ ચૂક્યો છે.



બીજી તરફ, પંચમહાલની કાલોલની નદીનો અદ્ભૂત વીડિયો વાયરલ થયો છે. ચેકડેમ પર માછલીઓની ઉછળકૂદનો વીડિયો વાયરલ થયો છે. ચેકડેમ પરથી ઓવરફ્લો થતા પાણીમાં અંદાજિત 5 થી 10 ફૂટ ઊંચે ઉછળતી માછલીઓનો ‘પાની પાની...’ ગીત મિક્સ કરેલ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.