શનિવારે અયોધ્યા જશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાતનું મંત્રીમંડળ, ભગવાન શ્રીરામના કરશે દર્શન
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળના દરેક સભ્યો શનિવારે અયોધ્યાના પ્રવાસે જવાના છે. અયોધ્યામાં ભગવાન શ્રીરામના દર્શન કરશે અને આશીર્વાદ મેળવશે.
ગાંધીનગરઃ અયોધ્યામાં 22 જાન્યુઆરી ભગવાન શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ અત્યાર સુધી કરોડો ભક્તો દર્શને પહોંચ્યા છે. દેશભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો પ્રભુ શ્રીરામના દર્શન કરવા માટે અયોધ્યા જઈ રહ્યાં છે. હવે ગુજરાતના મંત્રીમંડળના મંત્રીઓ પણ અયોધ્યા દર્શન કરવા જવાના છે. શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્યના તમામ મંત્રીઓ અયોધ્યા જશે.
અયોધ્યામાં ભગવાન શ્રીરામના કરશે દર્શન
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળના દરેક મંત્રીઓ શનિવારે અયોધ્યા જવા રવાના થશે. મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સદસ્યો સાથે અયોધ્યા રામ મંદિર દર્શન માટે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ તથા દંડક વિજય પટેલ અને નાયબ દંડકઓ પણ જોડાવાના છે.
આ પણ વાંચોઃ દરિયામાં બોક્ષ ફિશિંગ, સૌરાષ્ટ્રના માછીમારો સામે ઉત્તર ગુજરાતના માછીમારોમાં રોષ
અયોધ્યામાં આ છે કાર્યક્રમ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીઓ શનિવારે સવારે 11 કલાકે અયોધ્યા પહોંચશે. ત્યારબાદ 11.30થી બપોરે 12 વાગ્યા સુધી ભગવાન શ્રીરામના દર્શન કરશે. ત્યારબાદ મંત્રીમંડળના સભ્યો સરયુ નદી પાસે આવેલા ટેન્ટ સિટીની મુલાકાત લેશે. અયોધ્યાથી મોડી સાંજે મુખ્યમંત્રી અને દરેક મંત્રીઓ અમદાવાદ પરત ફરશે.