નવસારી જિલ્લામાં મુખ્યમંત્રીએ અસરગ્રસ્તોની મુલાકાત કરી, કહ્યું- સરકાર તમારી પડખે છે
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર કોઈ પણ કુદરતી આપત્તિ કે વિકટ સમયમાં અસરગ્રસ્તોની પડખે ઉભી છે. વરસાદની સ્થિતિને ધ્યાને રાખી રાજ્યનું સમગ્ર વહીવટીતંત્ર સતર્ક છે અને નાગરિકોના જાનમાલની સલામતિ માટેના તકેદારીના તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે.
નવસારીઃ નવસારીમાં છેલ્લા કેટલાક દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે સ્થિતિ વિકટ છે. અહીં અનેક જગ્યાએ પાણી ભરાયા છે. લોકોએ પોતાનું ઘર છોડી સ્થાળાંતર કરવાનો વારો આવ્યો છે. ભારે વરસાદને કારણે નુકસાન પણ થયું છે. આ સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવસારી જિલ્વાના વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.
જિલ્લાના વિવિધ વિસ્તારોના જાતનિરીક્ષણ મુલાકાત દરમિયાન મોચી સમાજની વાડી, કાલિયાવાડી ખાતેના શેલ્ટર હોમમાં આશ્રય લઈ રહેલા અસરગ્રસ્તોની મુલાકાત લઈ તેમને મળતી ભોજન, આરોગ્ય સેવાઓની જાણકારી મેળવી હતી. તેમણે અહીં નીચાણવાળા વિસ્તાર વોરાવાડથી સ્થળાંતરિત કરવામાં આવેલા અસરગ્રસ્તો સાથે સંવાદ કરી 'સરકાર આ વિપદામાં તેમની પડખે છે' તેવો સધિયારો આપ્યો હતો.
રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદના પગલે સર્જાયેલી વિકટ પરિસ્થિતિનું મુખ્યમંત્રીશ્રી દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, ત્યારે મંગળવારે નવસારી જિલ્લાની મુલાકાત દરમિયાન નવસારી કૃષિ યુનિવર્સિટીની એન.એમ. કોલેજ સ્થિત સભાગૃહમાં જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે તેમણે બેઠક યોજી હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર કોઈ પણ કુદરતી આપત્તિ કે વિકટ સમયમાં અસરગ્રસ્તોની પડખે ઉભી છે. વરસાદની સ્થિતિને ધ્યાને રાખી રાજ્યનું સમગ્ર વહીવટીતંત્ર સતર્ક છે અને નાગરિકોના જાનમાલની સલામતિ માટેના તકેદારીના તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચોઃ રાજ્યમાં પાંચ દિવસ ખતરો, NDRFની 18 ટીમો તૈનાત, આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી
મુખ્યમંત્રીએ તંત્રને એલર્ટ મોડ પર રહેવા માર્ગદર્શન આપવા સાથે કંટ્રોલ રૂમ, બચાવ રાહત ટુકડીઓ, પૂરગ્રસ્ત વિસ્તારમાં જરૂરી સુવિધાઓ, શેલ્ટર હોમ્સ, ફૂડ પેકેટની વ્યવસ્થાઓ સહિતની તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની પણ સમીક્ષા કરીને માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું.
બેઠકમાં મુખ્ય સચિવ પંકજકુમારે નાગરિકોને ડેમ સાઈટ, દરિયાકિનારે ન જવા અપીલ કરી હતી. તેમણે દરિયાકિનારે જતા લોકોને અટકાવવા સંબંધિત માર્ગો પર અવરજવર પ્રતિબંધિત કરવાની સુરત રેન્જના આઈ.જી.પીને સૂચના આપી હતી. તેમજ પોતાના જાનમાલની સલામતી માટે જનતા જનાર્દન પણ જાગૃતિ સાથે સંપૂર્ણ કાળજી રાખે તે ઈચ્છનીય હોવાનું જણાવ્યું હતું.
જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે મુખ્યમંત્રીને નવસારી વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલા બચાવ રાહતકાર્યો, સ્થળાંતરિત નાગરિકો અને તેમના માટેના આશ્રયસ્થાનોની વ્યવસ્થા અંગે વિગતો આપી સમગ્રલક્ષી વિગતોથી માહિતગાર કર્યા હતા. વર્તમાન વરસાદી સ્થિતિને અનુલક્ષીને નવસારી જિલ્લો રેડ એલર્ટ પર છે, સમગ્ર વહીવટી તંત્ર દ્વારા લોકોના જાનમાલના રક્ષણ માટે વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. એટલું જ નહિ, અસરગ્રસ્ત વિસ્તારમાં NDRF ની બે ટીમ ડિપ્લોય કરવામાં આવી છે. રેસ્ક્યુ ઓપરેશનની કામગીરીમાં પણ નાગરિકોનો પૂરતો સહયોગ મળી રહ્યો છે તેની વિગતો તેમણે મુખ્યમંત્રીને આપી હતી.
જિલ્લામાં ૧૩ શેલ્ટર હોમમાં બે હજાર જેટલા અસરગ્રસ્ત નાગરિકો આશ્રય લઈ રહ્યા છે એમ જણાવી કલેક્ટરશ્રીએ સામાજિક સંસ્થાઓ અને જાગૃત્ત નાગરિકોના સહયોગથી રાહત કામગીરી સુયોગ્ય રીતે થઇ રહી હોવાનું જણાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube