`આપણે કેટલું આગળ વધ્યા તેના માટે પાછળ વળીને પણ જોવું પડે`: CM ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસની રાજનીતિનો પાયો નાખ્યો. જેનો લાભ છેવાડાના માનવી સુધી રાજ્ય સરકાર પહોંચાડી રહી છે. વિકાસમાં અવરોધ રૂપી આવતા રોડા તે માટે પણ આપણને ઉર્જાની જરૂર પડે છે.
ભરત ચૂડાસમા/ભરૂચ: PM મોદીએ દેશમાં વિકાસની રાજનીતિનો પાયો નાખ્યો અને જેને ગુજરાત સરકાર ભારતનું ગ્રોથ એન્જીન બની આગળ વધારી રહી છે. આજે ગુજરાત વીજળી, પાણી, ખેતી, ઉધોગ તમામ ક્ષેત્રે દેશમાં અગ્રેસર છે. ઝઘડિયામાં 5 સબસ્ટેશનના લોકાર્પણ અને ભૂમિપૂજન પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જાહેર મંચથી પ્રજા જોગ સંબોધન કર્યું હતું.
ભરૂચના ઝઘડિયા ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે અમદાવાદ, ભરૂચ અને સાબરકાંઠા જિલ્લામાં બનેલા 66 કે.વી. ક્ષમતાના 5 વીજ સબસ્ટેશનના એક સાથે લોકાર્પણ અને ભૂમિપૂજન કર્યા હતા. આ સબસ્ટેશન કુલ રૂપિયા 41 કરોડના ખર્ચે નિર્માણ પામ્યા છે. જે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ, ભરૂચના ઝઘડીયા, વાલિયા તથા સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના 45 ગામોના કુલ 24 હજાર વીજ ગ્રાહકોને ગુણવત્તા યુક્ત વીજળી પૂરી પાડશે.
મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસની રાજનીતિનો પાયો નાખ્યો. જેનો લાભ છેવાડાના માનવી સુધી રાજ્ય સરકાર પહોંચાડી રહી છે. વિકાસમાં અવરોધ રૂપી આવતા રોડા તે માટે પણ આપણને ઉર્જાની જરૂર પડે છે. અને આ ઉર્જા નિર્વિઘ્ને રાજ્યની તમામ પ્રજા તેમજ તમામ ક્ષેત્રોને મળી રહે તેના પ્રયાસ ગુજરાત સરકાર કરી રહી છે.
વધુમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, આપણે કેટલું આગળ વધ્યા તેના માટે પાછળ વળી ને પણ જોવું પડે. આજથી 20 વર્ષ પહેલાં 2002 માં રિન્યુબલ ઉર્જા 99 મેગાવોટ હતી. જે આજે 6588 મેગાવોટ ઉત્પન્ન થઇ રહી છે. રાજ્યનું વીજ ઉત્પાદન 8750 મેગાવોટ હતું જે આજે 40138 મેગાવોટ છે.આદિવાસી વિસ્તારમાં પેહલા 3 સબસ્ટેશન આજે 277 છે.જ્યારે દરિયા કાંઠે 255 સબ સ્ટેશન ઉભા કરાયા છે. આજે આદિવાસી વિસ્તસરમાં 500 મોબાઈલ ટાવર ઉભા કરાઈ રહ્યાં છે.
રાજ્ય ઉર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, દેશનો પ્રત્યેક નાગરિક 1100 યુનિટ જ્યારે 2200 યુનિટ માત્ર ગુજરાતી જ એક વ્યક્તિ દીઠ વીજ વપરાશ કરે છે. વર્ષ 2002 માં 7 લાખ કૃષિ જોડાણ હતા આજે 14 લાખ છે. સોલાર રૂફટોપમાં ગુજરાત દેશમાં નંબર વન છે.
વધુમાં કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, આવનાર વિધાનસભાની ચુંટણીઓમાં ઝઘડિયા વિસ્તારમાં જે વિકાસનો પાયો નખાયો છે, તે જોતાં એમ લાગે છે કે ઝઘડિયા વિધાનસભા બેઠક પણ ભાજપા સર કરશે. લોકાર્પણ કાર્યક્રમમાં વિધાનસભા દંડક દુષ્યંત પટેલ, ધારાસભ્ય અરૂણસિંહ રણા, જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ભારતસિંહ પરમાર, જેટકો એમ.ડી. ઉપેન્દ્ર પાંડે, સ્નેહલ ભાસ્કર, કલેકટર તુષાર સુમેરા, તા.પંચાયત પ્રમુખ સેવંતુભાઈ વસાવા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ, ડીડીઓ યોગેશ ચૌધરી, ધર્મેન્દ્રસિંહ પરમાર, ગુમાનદેવ મંદિરના મહંત મનમોહન દાસજી સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube