પંચાયત-ગ્રામ ગૃહ નિર્માણની યોજનાઓ અને કામગીરીની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી સમીક્ષા
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્યના બજેટમાં રૂ. ૮૭૯પ.પ૭ કરોડની જોગવાઇ આ બે વિભાગો માટે કરવામાં આવી છે તેની તેમજ બજેટના ૬૦ ટકા જેટલી રકમ એટલે કે રૂ. પર૮પ.૯૬ કરોડ પંચાયત વિભાગ માટે અને ૪૦ ટકા એટલે કે રૂ. ૩પ૦૯.૬૧ કરોડ ગ્રામ વિકાસ વિભાગને ફાળવાયા છે તેની તલસ્પર્શી વિગતો મેળવી હતી.
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્ય સરકારની પ્રજાલક્ષી કામગીરી-યોજનાઓ સાથે સીધા સંકળાયેલા વિભાગોની કાર્યપદ્ધતિની સર્વગ્રાહી સમીક્ષાના હાથ ધરેલા ઉપક્રમમાં આજે પંચાયત, ગ્રામ વિકાસની કામગીરીની સમીક્ષા એક ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી.
ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ તેમજ પંચાયત રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા આ બેઠકમાં સહભાગી થયા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્યના બજેટમાં રૂ. ૮૭૯પ.પ૭ કરોડની જોગવાઇ આ બે વિભાગો માટે કરવામાં આવી છે તેની તેમજ બજેટના ૬૦ ટકા જેટલી રકમ એટલે કે રૂ. પર૮પ.૯૬ કરોડ પંચાયત વિભાગ માટે અને ૪૦ ટકા એટલે કે રૂ. ૩પ૦૯.૬૧ કરોડ ગ્રામ વિકાસ વિભાગને ફાળવાયા છે તેની તલસ્પર્શી વિગતો મેળવી હતી.
પંચાયત ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ વિપૂલ મિત્રાએ જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય એમ ત્રિસ્તરીય પંચાયતી માળખામાં વિવિધ સંવર્ગના મહેકમ, જિલ્લા-તાલુકા પંચાયતના ભવનો તેની સુવિધાઓ વગેરે અંગેનું પ્રેઝન્ટેશન ભૂપેન્દ્રભાઇ પટેલ સમક્ષ આ બેઠકમાં કર્યુ હતું. મુખ્યમંત્રીએ સમરસ ગ્રામ યોજના, તીર્થગ્રામ યોજના અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી.
ભૂપેન્દ્રભાઇ પટેલે વતન પ્રેમ યોજના અંતર્ગત જે-તે દાતાઓના સહયોગ અને સરકારના યોગદાનથી સ્થાનિક વિકાસ કામો, જનહિત સુવિધાઓ ઊભી કરીને યોજનાનો વ્યાપ વિસ્તારવા માર્ગદર્શન આપ્યું હતું.
આવા દાતાઓ પોતાનું દાન ઓનલાઇન બેંન્કીંગથી આપી શકે તેવી પારદર્શીતા અને પોતાની પસંદગીના કામ પોતાની પસંદગીની એજન્સી મારફતે કરાવી શકે છે તેવી આ યોજનાની વિશેષતાથી પણ મુખ્યમંત્રીને માહિતગાર કરાયા હતા.
ગ્રામીણ સ્તરે સુવિધાયુકત આવાસોનું જે નિર્માણ ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા થાય છે તેની ગુણવત્તા અને સુવિધા, આવાસ ફાળવણીના ધોરણો, ઉપલબ્ધ જમીન અને પ્રગતિ હેઠળના પ્રોજેકટની પણ ભૂપેન્દ્રભાઇ પટેલે સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રી સમક્ષ ગ્રામ વિકાસ વિભાગના પ્રેઝન્ટેશન દ્વારા સચિવ મતી સોનલ મિશ્રાએ મનરેગા, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) તેમજ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) ની કાર્યસિદ્ધિઓ પ્રસ્તુત કરી હતી.
આ પણ વાંચોઃ આ પણ વાંચોઃ Corona Update: રાજ્યમાં ફરી વધ્યા કોરોનાના કેસ, જાણો છેલ્લા 24 કલાકના આંકડા
મુખ્યમંત્રીને તેમણે કહ્યું કે, મનરેગાના કામો દ્વારા માનવદિન રોજગાર સર્જન સાથોસાથ ગ્રામ્યસ્તરે સામૂહિક-વ્યક્તિગત અસ્કયામતો ઊભી કરવામાં આવે છે. ગુજરાતમાં કોરોના સંક્રમણ વચ્ચે પણ પાછલા ૬ મહિનામાં ૩.૬૮ કરોડ માનવદિન રોજગારી મનરેગા દ્વારા આપવામાં આવી છે તેમ પણ તેમણે મુખ્યમંત્રીને જણાવ્યું હતું.
ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતાને પ્રાધાન્ય આપતાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણના બીજા તબક્કા-ફેઇઝ-2 માં ODF પ્લસ, ઘનકચરા વ્યવસ્થાપન, ગ્રે વોટર મેનેજમેન્ટ તેમજ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અને ગોબર ધન પ્રોજેકટ અન્વયે ગ્રામીણ વિસ્તારોમાં થયેલી કામગીરીથી પણ મુખ્યમંત્રીને વિસ્તૃત પ્રેઝન્ટેશનના માધ્યમથી અવગત કરાવવામાં આવ્યા હતા.
ગ્રામીણ નારીશક્તિના સશક્તિકરણ માટે કાર્યરત ર.૬પ લાખ જેટલા સ્વસહાય જૂથો દ્વારા હાથ ધરવામાં આવી રહેલી વિવિધ પ્રવૃત્તિઓ, મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના સહિતની યોજનાઓ અંગે પણ મુખ્યમંત્રી સમક્ષ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન તેમજ પંચાયત-ગ્રામ વિકાસ વિભાગ, ગ્રામ વિકાસ કમિશનર, ગુજરાત લાઇવલી હૂડ પ્રમોશન કંપની લિમીટેડ, ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના વરિષ્ઠ અધિકારીઓ આ સમીક્ષા બેઠકમાં જોડાયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube