ઝી બ્યુરો/ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 78માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રજાજનોને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવી છે. તેમણે જણાવ્યું છે કે, આઝાદીના સાડા સાત દાયકા પૂર્ણ કરીને આપણો ગૌરવ વંતો દેશ સ્વતંત્રતાની શતાબ્દી તરફ આગે કદમ ભરી રહ્યો છે. આપણને આઝાદી અપાવનારા રાષ્ટ્ર વીરોનું ભારત માતાને વિશ્વ ગુરુ બનાવવાનું સ્વપ્ન હવે સાકાર થઈ રહ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત-આત્મનિર્ભર-ઉન્નત ભારત એટ ટ્વેન્ટી ફોર્ટી સેવનનું વિઝન આપ્યું છે, આ વિઝનને હાંસલ કરવા ગુજરાતે પણ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની નેમ રાખી છે.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાઠવેલ પ્રજાજોગ સંદેશ અક્ષરસ: નીચે મુજબ છે...
➢ ગુજરાતના મારા વ્હાલા સૌ નાગરિક ભાઈઓ-બહેનો, સ્વતંત્રતાના 78માં (અઠ્યોતેર) પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.
➢ આઝાદીના સાડાસાત દાયકા પૂર્ણ કરીને આપણો ગૌરવવંતો દેશ સ્વતંત્રતાની શતાબ્દી તરફ આગેકદમ ભરીરહ્યો છે.
➢ આપણને સૌને આઝાદીની મુક્ત હવામાં શ્વાસ લેવાનું જે સૌભાગ્ય મળ્યું છે તેના મૂળમાં અનેક વીરોના ત્યાગ, સમર્પણ અને બલિદાનની ગાથા પડેલી છે.
➢ ભારત માતાને વિદેશી શાસનમાંથી મુક્તિ અપાવવા વર્ષોના વર્ષો સંઘર્ષ કરનારા, બ્રિટીશરોની લાઠી ગોળી ખાનારા આપણા એ વડીલ સ્વાતંત્ર વીરોને આજે નત મસ્તક નમન કરીએ.
➢ ભાઈઓ બહેનો, આપણને આઝાદી અપાવનારા રાષ્ટ્ર વીરોનું ભારત માતાને વિશ્વ ગુરુ બનાવવાનું સ્વપ્ન હવે સાકાર થઈ રહ્યું છે.
➢ એક સમય એવો હતો કે, વિશ્વના વિકસિત દેશો ભારતની નોંધ સુધ્ધાં લેતા ન હતા. આજે એ જ દેશો ભારતની અવિરત વૈશ્વિક વિકાસયાત્રાથી ભારત અને ભારતીયોને સન્માન સાથે જુએ છે.
➢ આપણા રાષ્ટ્ર અને આપણા રાષ્ટ્રધ્વજ-તિરંગાનુ ગૌરવ વિશ્વમાં વિસ્તર્યુ છે.
➢ દેશના પ્રત્યેક નાગરિકના મનમાં તિરંગાનું સન્માન ઉજાગર કરવા આદરણીય વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી હર ઘર તિરંગા અભિયાન ઉમંગ અને ઉત્સાહથી ઉજવાયું છે.
➢ ગુજરાતના પનોતા પુત્ર આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતની શાખ- પ્રતિષ્ઠા વિશ્વમાં ઊંચી ગઈ છે.
➢ જી-20 સમિટ હોય, યુક્રેન રશિયા યુદ્ધ હોય કે પર્યાવરણની સુરક્ષા માટે મિશન લાઈફ હોય આપણા વડાપ્રધાનશ્રી ના વિચારો અને મંતવ્યોને વિશ્વ સ્વીકારતું થયું છે.
➢ ભારતની અર્થવ્યવસ્થા વિશ્વમાં અગિયારમાં ક્રમેથી પાંચમા ક્રમે પહોંચી ગઈ છે. હવે ત્રીજા સ્થાને પહોંચવું છે.
➢ સૌ દેશવાસીઓએ પણ વિકાસની અવિરત ગતિ અને વિકાસની રાજનીતિને સતત વધાવી છે.
➢ 140 કરોડ ભારતવાસીઓએ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં પુનઃ વિશ્વાસ મૂક્યો છે.
➢ સતત ત્રીજીવાર દેશનું સુકાન પીએમ નરેન્દ્ર મોદીને સોંપ્યું છે.
➢ વિકાસ સસ્ટેનેબલ હોય અને વિરાસતોનું ગૌરવ કરનારો હોય એવી તેમની નેમ છે.
➢ વિશ્વને ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે સજ્જ કરવા પર્યાવરણ પ્રિય વિકાસનો વિચાર તેમણે આપ્યો છે.
➢ સમગ્ર સૃષ્ટિનું ગ્રીન કવર વધારવા અને ધરતી માતાને હરિયાળી બનાવવા તેમણે ‘એક પેડ માં કે નામ’નો નવતર અભિગમ અપનાવવા સૌને પ્રેરિત કર્યા છે.
➢ વડાપ્રધાનશ્રીના રાષ્ટ્રહિતના દરેક સંકલ્પ, દરેક આહવાનને ઝીલી લઈને તેને સાકાર કરવામાં ગુજરાત અને ગુજરાતીઓ સંકલ્પબદ્ધ છે.
➢ ‘એક પેડ માં કે નામ’ ના આ અભિયાનમાં સવા સાત કરોડ વૃક્ષોનું વાવેતર કરીને દેશભરમાં ગુજરાતે બીજું સ્થાન મેળવી પણ લીધું છે.
➢ ‘વિકાસ ભી વિરાસત ભી’ ગુજરાતે ભલિ-ભાંતિ સાકાર કર્યુ છે.
➢ યાત્રા ધામો, તીર્થસ્થાનોની વિરાસતનો આધુનિક ઓપ સાથે વિકાસ કર્યો છે.
➢ વિવિધ જિલ્લાઓની હસ્ત કલા કારીગરી, ગૃહ ઉદ્યોગ ઉત્પાદનો, ખાન પાનની પ્રખ્યાત ચીજ વસ્તુઓ, મેળાઓ, લોક ઉત્સવો એ બધાની આગવી ઓળખ દેશ અને દુનિયામાં ‘વોકલ ફોર લોકલ’થી ઊભી કરી છે.
➢ ભાઈઓ-બહેનો, સ્વતંત્રતાનું 78મું (અઠ્યોતેર) પર્વ આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે ગૌરવ સાથે કહેવું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પદચિન્હો પર ચાલતાં સર્વાંગી વિકાસ, વૈશ્વિક કક્ષાના વિકાસને આપણે પ્રોત્સાહન આપ્યું છે.
➢ ઉદ્યોગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે કૃષિ, શિક્ષણ, આરોગ્ય સહિતના સામાજિક ક્ષેત્રના વિકાસને પણ કેન્દ્રસ્થાને રાખ્યા છે.
➢ ‘ગ્યાન’ એટલે કે ગરીબ, અન્નદાતા, યુવા અને નારી શક્તિના સર્વગ્રાહી વિકાસને પણ પ્રાથમિકતા આપી છે.  
➢ ગરીબ, વચિંત, છેવાડાના અને આદિજાતિઓના કલ્યાણ માટે આ સરકાર સમર્પિત છે.
➢ પ્રધાનમંત્રી ગરીબ ક્લ્યાણ અન્ન યોજનામાં સાડા ત્રણ કરોડથી વધુ ગરીબોને વિનામૂલ્યે અનાજ આપી કોઇ ભૂખ્યું ન સૂવે એની કાળજી લીધી છે.
➢ આવાસ, આહાર અને આરોગ્ય સુલભતાએ મળે તે સુનિશ્ચિત કર્યું છે.
➢ પ્રધાનમંત્રી આવાસ યોજનાથી લાખો ગરીબોને પાકું આવાસ-છત્ર આપ્યું છે.
➢ બે કરોડથી વધુ ગરીબોને આયુષ્માન કાર્ડ દ્વારા વિનામૂલ્યે આરોગ્ય સેવાઓ મળે છે.
➢ તેમાં પણ આપણે બમણો વધારો કર્યો છે.
➢ પરિવારદીઠ હવે રૂપિયા પાંચ લાખથી વધારીને દસ લાખ રૂપિયા સુધીનું આરોગ્ય કવચ પૂરું પાડીએ છીએ.
➢ ગરીબોનું સશક્તિકરણ કરીને તેમને 100 ટકા વિકાસના લાભ પહોચે તેવો સેચ્યુરેશન અભિગમ રાખ્યો છે.
➢ આદિજાતિઓ અને વંચિતોને પણ વિકાસની મુખ્યધારામાં લાવવા સરકાર કાર્યરત છે.
➢ વડાપ્રધાનની પ્રેરણાથી શરૂ થયેલી વનબંધુ કલ્યાણ યોજના ટુ(2)માં એક લાખ કરોડ રૂપિયાની જોગવાઇ કરી છે.
➢ અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી બેલ્ટના 14 જિલ્લાના 53 તાલુકાના લોકોના જીવનમાં આનાથી ગુણાત્મક બદલાવ આવ્યો છે.
➢ ગુણવત્તા યુક્ત શિક્ષણ, આરોગ્ય, આવાસ સહિતની બુનિયાદી સુવિધાઓ આદિજાતિઓને મળતી થઈ છે.
➢ રાજ્યમાં રસાયણિક ખાતરથી થતી ખેતીમાંથી મુક્તિને વેગ આપી ‘બેક ટુ બેઝિક’નો સંકલ્પ અન્નદાતાઓએ પ્રાકૃતિક ખેતીથી સાકાર કર્યો છે.
➢ નવ લાખ ખેડૂતોએ તો સાત લાખ એકરથી વધુ જમીન પર સક્રિય રીતે આ પ્રાકૃતિક ખેતી અપનાવી પણ છે.
➢ સારી સિંચાઇ સુવિધાઓ અને કૃષિ આધુનિકીકરણને પરિણામે હવે ખેડૂતો વર્ષમાં ત્રણ પાક લેતા થયા છે. ખેતીની જમીનની ગુણવત્તા સુધરી છે.
➢ રાજ્યના 15 લાખ ખેડૂતોએ 23 લાખ હેક્ટરથી વધુ જમીનમાં માઈક્રો ઈરિગેશન અપનાવ્યું છે.
➢ પીવાના અને ખેતીના પાણી માટે જળસંચયની સુજલામ સુફલામ યોજના દિશાદર્શક બની છે.
➢ આ વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાનના સાતમાં તબક્કામાં આપણી જળસંગ્રહ ક્ષમતામાં 11,523 લાખ ઘનફૂટનો વધારો થયો છે.
➢ નર્મદાના પાણી કેનાલ અને પાઈપલાઈન નેટવર્ક દ્વારા કચ્છના છેવાડાના ગામ મોડકૂબા સુધી પહોંચ્યા છે.
➢ વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં અમલી કરાયેલા જલ જીવન મિશન અન્વયે ગુજરાતમાં 100 ટકા નલ સે જલ સાકાર થયું છે.
➢ ભાઇઓ બહેનો, કોઇપણ રાષ્ટ્ર કે રાજ્ય નારીશક્તિના સશક્તિકરણ વિના વિકસિત બની શકે જ નહી.
➢ આપણે અર્થતંત્ર અને સમાજ જીવનમાં મહિલાઓના યોગદાનને વેગ આપવા ‘વુમન લેડ ડેવલ્પમેન્ટ’નો વ્યુહ અપનાવ્યો છે.
➢ ત્રણ લાખ તેર હજારથી વધુ મહિલા શક્તિને મિશન મંગલમથી આત્મનિર્ભર બનાવી છે.
➢ નારીશક્તિને આર્થિક રીતે પગભર કરીને લખપતિ દીદી બનાવવાના વડાપ્રધાનશ્રીના સંકલ્પમાં ગુજરાતે સાડા સાત લાખ લખપતિ દીદી બનાવવાનો નિર્ધાર કર્યો છે.
➢ ભાઈઓ બહેનો, 2047માં આપણો દેશ આઝાદીના 100 વર્ષ પૂરાં કરશે.
➢ વડાપ્રધાનએ વિકસિત-આત્મનિર્ભર-ઉન્નત ભારત એટ ટ્વેન્ટી ફોર્ટી સેવનનું વિઝન આપ્યું છે.
➢ આ વિઝનને હાંસલ કરવા ગુજરાતે પણ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની નેમ રાખી છે.
➢ વિકસિત ભારત@ટ્વેન્ટી ફોર્ટી સેવનના લક્ષ્યને પાર પાડવાનો એક મજબૂત આર્થિક પાયો ગુજરાત નાંખવા માગે છે.
➢ આ મજબૂત પાયો નાંખવામાં ગ્રીન ગ્રોથ - રિન્યૂએબલ એનર્જીનું મહત્વનું યોગદાન રહેવાનું છે.
➢ ગુજરાત રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે અગ્રેસર રાજ્ય છે.
➢ કચ્છમાં વિશ્વનો સૌથી મોટા 37 ગીગાવૉટના સોલાર-વિન્ડ હાઈબ્રીડ એનર્જી પાર્કનું નિર્માણ ઝડપથી પૂર્ણ કરવા આપણે આગળ વધી રહ્યાં છીએ.
➢ પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજનાના અમલીકરણમાં દેશભરમાં ગુજરાત અગ્રેસર છે.
➢ આ વર્ષે 10 લાખ મકાનોને આ યોજનામાં આવરી લેવાનું આપણે નક્કી કર્યું છે.
➢ 2030 સુધીમાં 100 ગીગાવૉટ રિન્યૂએબલ એનર્જીનું લક્ષ્ય રાખીને, વડાપ્રધાનએ આપેલા નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનના લક્ષ્યાંકમાં આપણે ગુજરાતને અગ્રેસર રાખવું છે.
➢ આ વર્ષના પ્રારંભે યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની મહત્વપૂર્ણ 10મી કડીમાં પણ ગ્રીન ગ્રોથને આપણે પ્રાથમિકતા આપી છે.
➢ “ગેટ વે ટુ ધ” ફ્યુચરની થીમ સાથેની આ સમિટથી વિકસિત ભારત એટ ટ્વેન્ટી ફોર્ટી સેવનમાં વિકસિત ગુજરાતની ભૂમિકા સ્પષ્ટ થઈ છે.
➢ ઊભરતાં ક્ષેત્ર એવાં સેમીકન્ડક્ટર સેક્ટરમાં ગુજરાત હબ બનવા જઈ રહ્યું છે.
➢ આવનારા દિવસોમાં દેશની પહેલી સેમી કન્ડક્ટર ચીપનું ઉત્પાદન ગુજરાતમાં થવાનું છે.
➢ ફ્યુચર રેડી અને આવનારા ભવિષ્યને અનુરૂપ ઉદ્યોગો માટે ગુજરાત ગ્લોબલ ડેસ્ટિનેશન બન્યું છે.
➢ આવા ઉદ્યોગોને પરિણામે રાજ્યનાં યુવાનો માટે રોજગારીના અવસરો ખુલ્યા છે.
➢ ઔદ્યોગિક એકમોને અનુરૂપ સ્ટાર્ટઅપ યુવાઓના ઇનોવેશનને નવી દિશા મળી છે.
➢ યુવા શક્તિના કૌશલ્યથી સ્ટાર્ટઅપ રેકિંગમાં ચાર વર્ષથી ગુજરાત સતત બેસ્ટ પરફોર્મર સ્ટેટ બનતું આવ્યું છે.
➢ યુવા ઉધોગ સાહસિકોમા સપનાઓને સાકાર કરવા એક હજાર કરોડ રૂપિયાના ભંડોળમાંથી યુવા ઉદ્યોગ સાહસિકોને સહાય આપીએ છીએ.
➢ ઉદ્યમશીલ યુવાનો આ યોજનાનો લાભ મેળવીને પોતાના ઉદ્યોગો શરુ કરીને રોજગાર દાતા બન્યા છે.
➢ આવા તો અનેક ક્ષેત્રોમાં ગુજરાતને 2047 સુધીમાં અગ્રેસર બનાવીને વિકસિત ગુજરાતનો આપણો સંકલ્પ છે.
➢ ભાઈઓ-બહેનો, વિકસિત ભારત એટ ટ્વેન્ટી ફોર્ટી સેવનમાં આપણે એવું વિકસિત ગુજરાત બનાવવું છે, જ્યાં બધાને સાથે રાખીને સર્વસ્પર્શી, સર્વસમાવેશી વિકાસ થાય.
➢ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો ધ્યેય સિદ્ધ કરવામાં આ 78મું સ્વતંત્રતા પર્વ આપણને નવી પ્રેરણા પૂરી પાડશે એવો મને વિશ્વાસ છે.
➢ ફરી એકવાર, આપ સૌને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
➢ ભારત માતા કી જય... વંદે માતરમ... જય જય ગરવી ગુજરાત...