ઉત્તર ગુજરાતના લોકોને ટ્રાફિકમાંથી મળશે રાહત, 399 કરોડના ખર્ચે બે નવા બ્રિજ બનશે, સરકારે આપી મંજૂરી
રાધનપુર-ચાણસ્મા રોડ પર રાધનપુર નજીક બનાસ નદી ઉપર 179 કરોડના ખર્ચે ફોર લેન બ્રિજનું નિર્માણ થશે. મહેસાણા-હિંમતનગર રોડ પર સાબરમતી નદી પર દેરોલ ખાતે 220 કરોડના ખર્ચે નવો 6 લેન બ્રિજ બનશે.
ગાંધીનગરઃ રાજ્યમાં રોડ નેટવર્ક મજબૂત બને તે માટે રાજ્ય સરકાર સતત કાર્યરત રહે છે. લોકોને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે સ્ટેટ હાઈવે અને બ્રિજોના નિર્માણ કરવામાં આવે છે. હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના લોકોને મોટી ભેટ આપી છે. મુખ્યમમંત્રીએ રોડ નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સુદ્રઢ અને વાહન યાતાયાત માટે સરળ બનાવવા ઉત્તર ગુજરાતમાં સ્ટેટ હાઇવે 55 પર બે નવા બ્રિજ નિર્માણ માટે રૂ. 399 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
મુખ્યમંત્રીએ રાજ્યમાં જૂના પુલોના - માર્ગોના પુનઃબાંધકામ, મજબૂતીકરણ અને સ્ટ્રક્ચર્સની મરામત હાથ ધરીને સમયાનુકૂલ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ માટે માર્ગ-મકાન વિભાગને દિશા-નિર્દેશો આપેલા છે. તદ્અનુસાર, ઉત્તર ગુજરાતમાં રાધનપુર-ચાણસ્મા રોડ - સ્ટેટ હાઇવે-55 ઉપર રાધનપુર નજીક બનાસ નદી ઉપર રૂ. 179 કરોડના અંદાજિત ખર્ચે નવો ફોર લેન બ્રિજ બનાવવા તેમણે સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.
ચાણસ્માને સરહદી વિસ્તાર રાધનપુર સાથે જોડતા આ અગત્યના માર્ગ પર ગોચનાદ ગામ નજીક બનાસ નદી પર પુલ હાલ હયાત છે. આ પુલ 1965ના વર્ષમાં એટલે કે 59 વર્ષ પહેલાં નિર્માણ થયેલો છે. આ જૂના પુલનો લાઈફસ્પાન પૂર્ણ થઈ ગયો હોઈ, તેની સામે રોડ સેફટી અને ભવિષ્યના વધતા જતા વાહન ટ્રાફિકને ધ્યાનમાં લઈને નવો ચાર માર્ગીય પુલ બનાવવાની માર્ગ-મકાન વિભાગની દરખાસ્તને મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે.
આ પણ વાંચોઃ દુષ્કર્મ પીડિતાની આપવીતી : મારા સિવાય અન્ય છોકરીઓને પણ સ્વામી ખરાબ નજરે જોતા હતા
આ નવો બ્રિજ હયાત પુલની બાજુમાં નિર્માણ પામશે તથા આ બ્રિજ બનતા હાલના ટ્રાફિક ભારણના બોટલનેક નિવારી શકાશે. અંદાજે 40 લાખ જેટલા લોકોને પરિવહનમાં સરળતા મળતી થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઉપરાંત અન્ય એક પુલના ઉત્તર ગુજરાતમાં નિર્માણ માટે પણ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ અંતર્ગત મહેસાણા-હિંમતનગર ફોર લેન સ્ટેટ હાઇવે-55 ઉપર સાબરમતી નદી પર દેરોલ ખાતે રૂ. 220 કરોડના અંદાજિત ખર્ચે નવા સિક્સલેન બ્રિજનું બાંધકામ હાથ ધરવામાં આવશે.
મહેસાણાને હિંમતનગર સાથે જોડતા આ અગત્યના રસ્તા પર દેરોલ ગામ નજીક સાબરમતી નદી પર અત્યારનો જે બ્રિજ કાર્યરત છે તે 1966માં એટલે કે 58 વર્ષ પહેલાં નિર્માણ થયેલો છે. એટલું જ નહિ, હાલ દ્વિમાર્ગીય બ્રિજ હોવાના પરિણામે ટ્રાફિકજામની વાહન વ્યવહાર પર અસર પડે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હયાતપુલનો લાઇફ સ્પાન પૂર્ણ થઈ જવા ઉપરાંત રોડ સેફટી અને ટ્રાફિક પરિવહન ધ્યાને રાખીને 6 માર્ગીય પુલ નિર્માણ માટે અનુમતિ આપી છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં પિત્ઝા સેન્ટરના પિત્ઝામાંથી નીકળ્યો વાળ, ચીતરી ચઢી જાય તેવો કિસ્સો
આ પુલનું નિર્માણ થતાં આસપાસના વિસ્તારના અંદાજે 50 લાખ પ્રજાજનોને પરિવહન સરળતા મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં સુદ્રઢ અને મજબૂત રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે માર્ગ-મકાનના વિભાગને જૂના પુલોના પુનઃબાંધકામ, માર્ગો - પુલો - નાળાઓના મજબૂતીકરણ, સ્ટ્રક્ચર્સ મરામત માટેના કામો માટે ગ્રાન્ટ ફાળવવાનો અભિગમ અપનાવ્યો છે. આ સંદર્ભમાં અત્યાર સુધીમાં રાજ્યમાં 19 પુલોના પુનઃ બાંધકામ માટે 113.64 કરોડ, 126 પુલ મજબૂતીકરણ માટે 166.77 કરોડ અને 2188 પુલો-નાળા- માર્ગોના સ્ટ્રક્ચર્સની મરામત માટે 2367 કરોડ રૂપિયા ફાળવેલા છે.