છોડાઉદેપુરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મધ્ય ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદથી પૂરગ્રસ્ત અને સૌથી વધુ પ્રભાવિત બોડેલી વિસ્તારની મુલાકાત મંગળવારે લીધી હતી. મુખ્યમંત્રી વરસાદથી અતિ પ્રભાવિત વિસ્તારોની જાત નિરીક્ષણ મુલાકાત અંતર્ગત બોડેલીના અસરગ્રસ્તોને મળ્યા હતા અને તેમની સાથે વાતચીત કરી વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા બચાવ રાહત કાર્યો, આશ્રય સ્થાનોની વ્યવસ્થા વગેરે અંગે વિગતો મેળવી હતી. ભૂપેન્દ્ર પટેલે બોડેલીના વર્ધમાન નગર વસાહતના અસરગ્રસ્તોને રૂબરૂ મળીને વરસાદે વેરેલા નુક્સાનની વિગત જાણી હતી.
    
મુખ્યમંત્રીએ શિરોલાવાલા હાઈસ્કુલ ખાતેના આશ્રયસ્થાનમાં આશરો લઈ રહેલા અસરગ્રસ્ત લોકોની પણ મુલાકાત લઈ તેમને મળતી ભોજન, આરોગ્ય સેવાઓની જાણકારી મેળવી હતી અને સરકાર તેમની પડખે છે તેવો સધિયારો આપ્યો હતો. 
શિરોલાવાલા હાઈસ્કુલ ખાતે મુખ્યમંત્રી વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવાને પણ મળ્યા હતા. વિરોધપક્ષના નેતાએ છોટાઉદેપુર જિલ્લામાં વરસાદે વેરેલા વિનાશની વિગતો મુખ્યમંત્રીને આપી હતી.
        
મુખ્યમંત્રીએ અસરગ્રસ્તોને મદદરૂપ થવાની  હૈયાધારણા આપી પૂર અસરગ્રસ્તોને રાજ્ય સરકારના ધારાધોરણ મુજબ જરૂરી તમામ સહાય સમયમર્યાદામાં ચુકવવામાં આવશે તેમ ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ છોટાઉદેપુર જિલ્લાના પૂર પ્રભાવિત વિસ્તારની નુકસાનીનો સર્વે કરીને લોકોને મદદરૂપ બનવા અંગે જિલ્લાના તંત્ર વાહકોને માર્ગદર્શન આપ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચોઃ Rain in Gujarat: ભારે વરસાદથી નવસારી પાણીમાં ગરકાવ, આકાશી તસવીરોમાં જુઓ તબાહીના દ્રશ્યો


કુદરતી આપદામાં જે લોકોના જાન માલને નુકશાન થયું છે તેને ઝડપભેર સહાય ચૂકવવા તેમણે અધિકારીઓને સુચનાઓ આપી હતી. છોટાઉદેપુર જિલ્લાના ગામોમાં ભારે વરસાદની અસર થઈ છે ત્યારે  આ સમયમાં પ્રજાની પડખે ઉભા રહેવાનું દાયિત્વ નિભાવવાનું જણાવતા મુખ્યમંત્રીએ હવે પાણી ઓસરતાં હકારાત્મક અભિગમ દાખવીને સાચો રહી ન જાય અને ખોટો લાભ લઈ ન જાય એ રીતે નુકસાનીના સર્વેની કામગીરી હાથ ધરવાનું માર્ગદર્શન આપ્યું હતું. 


જિલ્લાના અસરગ્રસ્ત ગામોમાંથી જે ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરવાનો બાકી છે તેવા બાકી ગામોમાં વીજ પુરવઠો ઝડપભેર પુનઃ સ્થાપિત કરવામાં આવશે તેમ જણાવતા તેમણે ઉમેર્યું કે વરસાદ બાદ રોગચાળો અટકાવવા માટે જરૂરી સફાઈ કામગીરી પણ હાથ ધરાશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube