ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોમાં નાગરિક સુવિધા સુખાકારી કામોની વૃદ્ધિ માટેની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાને વધુ વેગવંતી બનાવવાનો અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં રાજ્યની બે મહાનગર પાલિકા વડોદરા અને ગાંધીનગરમાં જન સુવિધા વિકાસના વિવિધ કામો માટે રૂ. ર૯૧.રર કરોડ મંજૂર કર્યા છે. 
    
ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજુ કરવામાં આવેલી દરખાસ્ત અન્વયે વડોદરા મહા નગરપાલિકાને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ર૦રર-ર૩ ના વર્ષ માટે આંતરમાળખાકીય વિકાસના રર૭ કામો માટે રૂ. ર૮૪.રર કરોડ રૂપિયાના કામોને તેમણે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. 
    
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા મહાનગરપાલિકાને ભૌતિક આંતરમાળખાકીય વિકાસના પાણી પુરવઠા, ડ્રેનેજ, વરસાદી ગટર યોજના, સ્ટ્રીટ લાઇટ, બિલ્ડીંગ પ્રોજેક્ટ વગેરે મળીને ૧૧ર કામો માટે રૂ. ર૦૮.૩૩ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. તેમણે સામાજિક આંતર માળખાકીય ઝોન કક્ષાના પાણી, ગટર, રસ્તા વગેરેના પણ ૧૧ર કામો માટે રૂ. ૧૭.૩૪ કરોડ મંજૂર કર્યા છે. 
    
એટલું જ નહિ, વડોદરા મહાનગરમાં અર્બન મોબિલીટી પ્રોજેક્ટ અન્વયે ૩ બ્રીજના કામો માટે રૂ. પ૮.પપ કરોડની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી ભૂપેન્દ્ર પટેલે આપી છે. મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગર મહાનગરપાલિકાને પણ મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે ર૦રર-ર૩ ના વર્ષ માટે ૭ કરોડ રૂપિયા મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજનામાંથી ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. 
    
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આ રૂ. ૭ કરોડની રકમ ગાંધીનગર મહાનગરમાં સમાવિષ્ટ ખોરજ, ઝૂંડાલ, અમીયાપૂર, સુઘડ, કોટેશ્વર અને ભાટ ગામની ટી.પી માં બે નવા આસ્ફાલ્ટ રોડના કામો માટે ઉપયોગમાં લેવાશે. 
    
આ બે મહાનગરોમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે વિકાસ કામો માટેની દરખાસ્ત સંબંધિત મહાનગરપાલિકાઓ દ્વારા ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ મારફત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજુ કરવામાં આવી હતી તેને તેમણે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube