આ રીતે ભણશે ગુજરાત, 4 દિવાલનો એક ઓરડો નથી, ખુલ્લામાં ભણવા મજબૂર બન્યા બાળકો
ગુજરાતમાં રાજ્ય સરકાર શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. પરંતુ વાસ્તવિકતા અલગ જોવા મળે છે. સરકારી શાળાની સ્થિતિ દમનિય છે. ભાવનગર જિલ્લાના એક ગામડામાં એવી શાળા છે જ્યાં બાળકો ખુલ્લામાં ભણવા માટે મજબૂર બન્યા છે.
નવનીત દલવાડી, ભાવનગરઃ ગુજરાતમાં સારા અને ઉચ્ચ શિક્ષણના અનેક દાવાઓ કરવામાં આવે છે.. સરકારી દાવાઓ પ્રમાણે તો ગામડાઓમાં પણ બાળકો સારું શિક્ષણ મેળવી રહ્યા છે પરંતુ, આની વાસ્તવિકતા જ્યારે ગ્રાઉન્ડ પર જઈને જોઈએ તો કંઈક અલગ જ દેખાતી હોય છે.. જી હાં, ભાવનગર જિલ્લાના ગામડાઓમાં 1956માં બનેલી શાળાઓમાં બાળકો અભ્યાસ કરતા.. તંત્રને જ્યારે લાગ્યું કે શાળા જર્જરિત થઈ છે તો તોડી પાડી પરંતુ, 4 વર્ષ થઈ ગયા વિદ્યાર્થીઓ આજ સુધી વિદ્યાર્થીઓ 4 દિવાલના એક ઓરડા માટે મજબૂર છે.. જુઓ આ રિપોર્ટ..
ભાવનગર જિલ્લાના કટોડીયા ગામે હરતી ફરતી પ્રાથમિક શાળાના આ દ્રશ્યો છે. જોકે, આ શાળા હરતી ફરતી જરૂર છે પરંતુ, આમાં ગર્વ લેવા જેવી નહીં પરંતુ, શરમથી માથું ઝુકાવવા જેવી વાસ્તવિકતા છે. જી હાં, છેલ્લાં 4 વર્ષથી કટોડીયા ગામે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ આવી રીતે હરતા ફરતા અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે અને એ પણ તંત્રના પાપે..
આ એ શાળાના દ્રશ્યો છે જે વર્ષ 2020માં જર્જરિત હોવાના કારણે તોડી પાડવામાં આવી હતી.. હકીકતમાં કટોડીયા ગામની શાળાનું બાંધકામ વર્ષ 1956માં થયું હતું.
આ પણ વાંચોઃ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના લોકો માટે ખુશીના સમાચાર, સરકારે કરી મોટી જાહેરાત
આટલા વર્ષો બાદ શાળાનું બાંધકામ જર્જરિત હોવાના કારણે તોડી નાખવામાં આવ્યું હતું પરંતુ, તંત્ર આજ સુધી વિદ્યાર્થીઓને એક ચાર દિવાલનું ઓરડું બનાવી નથી આપ્યું.
સ્વાભાવિક છેકે, છેલ્લાં 4 વર્ષથી વિદ્યાર્થીઓ ક્યારેક ખુલ્લામાં તો ક્યારેક મંદિરમાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે.. હકીકતમાં તંત્ર શાળા ક્યારે બનાવી આપશે તે સૌથી મોટો સવાલ છે..
આ મામલે વિપક્ષ પણ સરકાર પર આક્રામક છે.. સિહોર કોંગ્રેસના નેતા જયદીપસિંહ ગોહિલે સરકારની ઢીલી નીતિ પર આકરા પ્રહાર કર્યા અને કહ્યું કે, વિદ્યાર્થીઓના શિક્ષણમાં સરકારને કોઈ રસ જ નથી..
સરકાર દ્વારા ઓરડાઓ તો મંજૂર કરી દેવામાં આવ્યા છે પરંતુ, કોઈ કોન્ટ્રાક્ટર ટેન્ડર ના ભરતા હોવાના કારણે શાળાનું ભવન બની નથી રહ્યું.. જોકે, આ બધા વચ્ચે ગુજરાતની યુવા પેઢીનું ભવિષ્ય અંધકારમાં ધકેલાય રહ્યું છે..