છોટાઉદેપુરમાં ભ્રષ્ટાચારના બ્રિજથી પ્રજા પરેશાન, 4 દિવસમાં ધોવાયું ડાયવર્ઝન, સ્થાનિકો પરેશાન
નેશનલ હાઈવે 56નો સિહોદ પાસેનો ભારજ નદી પરનો બ્રિજ માત્ર થોડા મહિનામાં જ ધરાશાયી હતો...અઢી કરોડ રૂપિયાના આ બ્રિજમાં ભરપુર ભ્રષ્ટાચાર થયો હતો.
હકીમ ઘડિયાળી, છોટાઉદેપુરઃ ગુજરાતમાં કોઈ જિલ્લો વિકાસમાં ઘણો પાછળ હોય તો તે છોટાઉદેપુર જિલ્લો છે. આ જિલ્લામાં એવા અનેક ગામ છે જે પ્રાથમિક સુવિધાઓ પણ ઝંખી રહ્યા છે. થોડા સમય પહેલા જ લોકોની સુવિધા માટે બનેલું ડાયવર્જન માત્ર 4 દિવસમાં જ ધોવાઈ ગયું....જેના કારણે ફરી એકવાર હવે સ્થાનિકોને 40 કિલોમીટર લાંબો ચક્કર મારવો પડશે....શું છે સમગ્ર મામલો?...જુઓ આ અહેવાલમાં....
ગામ લોકોને ફરી મારવો પડશે લાંબો ચક્કર
40 કિલોમીટરના ચક્કરથી મળી હતી રાહત
અઢી કરોડના બ્રિજના થયા હતા બે ટુકડા
ભ્રષ્ટાચારનો બ્રિજ તુટતાં સર્જાઈ હતી સમસ્યા
4 દિવસ પહેલા બનેલું ડાયવર્ઝન ફરી ધોવાયું
સૌથી પહેલા તો આ દ્રશ્યો જુઓ...દ્રશ્યો છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરના છે...જ્યાં જીવના જોખમે લોકો કેવી રીતે નદી પાર કરી રહ્યા છે તે જુઓ...નદીમાં પાણી છે, ક્યાં ઊંડાઈ અને ક્યાં ઉંચાઈ છે તે ખ્યાલ આવી શકે તેમ નથી...પાણી સતત વહી રહ્યું છે, તેમ છતાં પણ અનેક વાહનચાલકો આ જોખમ ખેડીને પણ નદી પાર કરી રહ્યા છે. વાહનચાલકો અને રાહદારીઓને પણ ખબર છે કે તેઓ જે કરી રહ્યા છે તેમાં પુરેપુરુ જોખમ છે...પરંતુ કરે તો કરે શું?, કારણ કે જો જોખમ ન લે તો 35 કિલોમીટર લાંબો ચક્કર મારવો પડે....
તો કેટલાક રાહદારીઓ જીવના જોખમે રેલવેના બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે. અહીં પણ જો ટ્રેન આવે તો જીવ જાય તેટલું જોખમ છે. પરંતુ રાહદારી આ જોખમ ખેડવા તૈયાર છે. કારણ કે 35 કિલોમીટરનો ચક્કર બહુ મોંઘો પડી જાય છે.
તો કેવી મહામુશ્કેલીમાંથી લોકો પસાર થઈ રહ્યા છે તે તમે જોયું...ઝી 24 કલાકે આ જ સમસ્યાનો ધારદાર અહેવાલ 15 ઓક્ટોબરે તમારા મનપસંદ કાર્યક્રમ જનતાની વાતમાં બતાવ્યો હતો...આ અહેવાલ પછી તંત્ર દોડતું થયું અને જ્યાં જીવનું જોખમ હતું તે ભારજ નદી પર જનતા ડાયવર્જન આપવામાં આવ્યું છે...પરંતુ આ ડાયવર્જન માત્ર 4 દિવસમાં જ ફરી ધોવાઈ ગયું...
નેશનલ હાઈવે 56નો સિહોદ પાસેનો ભારજ નદી પરનો બ્રિજ માત્ર થોડા મહિનામાં જ ધરાશાયી હતો...અઢી કરોડ રૂપિયાના આ બ્રિજમાં ભરપુર ભ્રષ્ટાચાર થયો હતો...બ્રિજ તુટી જતાં લોકો જીવના જોખમે નદીના પટમાંથી બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા...ત્યારે ડાયવર્જન બનતાં લોકો ખુશખુશાલ હતા...પરંતુ ફરી તુટી જતાં હવે લોકોએ હેરાન પરેશાન થવું પડશે...
હાલ પાવીજેતપુરની પ્રજા ઘણા સમયથી પરેશાન હતી...અનેક રજૂઆતો કરી છતાં કોઈ ઉકેલ આવતો નહતો....પરંતુ સ્થાનિક લોકોની માગણીને ઝી 24 કલાકે સરકાર સુધી પહોંચાડી જેના કારણે હવે ડાયવર્ઝન મળી ગયું હતું...પરંતુ તંત્રએ પાણી છોડતા તે ફરી તુટી ગયું...જેનાથી લોકોની દિવાળી બગડી છે...