અમદાવાદઃ એકના ડબલ કરવાની લાલચ આપી 260 કરોડની છેતરપિંડી કરનાર વિનય શાહની નેપાળમાંથી ધરપકડ થયા બાદ મંગળવારે સીઆઈડી ક્રાઇમે તેના વિશ્વાસુ ગણાતા દીપક ઝાની પૂછપરછ કરી હતી. તેનો વિશ્વાસુ ગણાતો દીપક ઝા પણ એકવાર છેતરપિંડીના કેસમાં જેલમાં જઈ આવ્યો છે. તે આ કૌભાંડનો માસ્ટર માઇન્ડ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજીતરફ ગઈકાલે નેપાળ પોલીસે વિનય શાહની ધરપકડ કરી હતી. આ અંગે સીઆઈડી ક્રાઇમના વડા આશિષ ભાટીયાએ કહ્યું કે, નેપાળથી વિનય શાહને લાવવામાં હજુ વધુ સમય લાગી શકે છે. વિદેશમાં હોવાને કારણે ત્યાંની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરીને તેને લાવવામાં આવશે. 


વિનય શાહનાં નજીકનાં મનાતા આવા જ એક વ્યક્તિ દીપક ઝાની 7 કલાક સુધી પૂછપરછ કરાઈ હતી. આ વ્યક્તિ વિનય શાહનાં કારનામા અંગે ઘણું જાણતો હોવાનું મનાઈ રહ્યું છે. પણ પૂછપરછ બાદ જ્યારે દીપક ઝા બહાર આવ્યો તો તેણે એવું રટણ કર્યુ કે તે તો વિનય શાહની કંપનીનો એક સામાન્ય કર્મચારી હતો.


શું દીપક ઝા છે માસ્ટરમાઈન્ડ?
દીપક ભલે કહેતો કે તે માત્ર વિનય શાહની કંપનીમાં સોફ્ટવેર ટેસ્ટર હતો. પણ એવું મનાઈ રહ્યું છે કે દીપક ઝા જ છે આખા કૌભાંડનો માસ્ટરમાઈન્ડ છે તપાસમાં જાણવા મળ્યું છે કે દીપક સામે 2016માં 10 લાખની છેતરપિંડીનો કેસ દાખલ થઈ ચુક્યો છે. આ કેસમાં તે જેલમાં પણ જઈ ચુક્યો છે.અંદરની વાત કંઈક એવી છે કે રેન મુદ્રા સર્વિસિઝ નામની કંપની ચાલતી હતી ત્યારે પહેલી વખત દીપક ઝા વિનય શાહને મળ્યો હતો. દીપકે જ વિનય શાહને આર્ચરકેર DG, LLP કંપની ખોલવા માર્ગદર્શન આપ્યું હતું. દીપક ઝાની વાતોમાં આવી વિનયે પત્ની સાથે મળી આર્ચરકેર કંપની ખોલી હતી. 


હાલ તો CID ક્રાઈમે પૂછપરછ કરી દીપક ઝાને જવા દીધો હતો. પણ સંભાવના એવી છે કે વિનય શાહનાં અમદાવાદ આવતા ફરી દીપક ઝાને બોલાવાશે. શક્યતા છે કે આગામી સમયમાં દીપક ઝાનાં માધ્યમથી 260 કરોડનાં કૌભાંડના છેડા મળશે.