અમદાવાદ : હાર્દિક પટેલ ગઈકાલે સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યો છે. કોંગ્રેસમાં એન્ટ્રી લેતા જ કોંગ્રેસ પક્ષમાં ગઈકાલે હાર્દિકનું મહત્વ જણાઈ આવ્યું હતું. હાર્દિક પટેલ કોંગ્રેસની સીડબલ્યુસી બેઠકમાં પણ પહોંચ્યો હતો, તો સાથે જ તેને જનસભામાં મંચ પર દિગ્ગજ નેતાઓની વચ્ચે સ્થાન મળ્યું હતું. ગઈકાલે રાત્રે પણ હાર્દિક પટેલની એરપોર્ટ પર પ્રિયંકા ગાંધી વાડરા સાથે મુલાકાત થઈ હતી. ત્યારે કોંગ્રેસમાં અચાનક હાર્દિકનું કદ વધી ગયુ છે, ત્યારે પક્ષ મોવડીઓથી પહેલેથી જ નારાજ અલ્પેશ ઠાકોર અને હાર્દિક વચ્ચે ઘર્ષણ ઉભુ થઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાર્દિકની કોંગ્રેસમાં એન્ટ્રી થતા જ અલ્પેશ ઠાકોર સાથે ગરમાવો વધી શકે છે. બંને વચ્ચે લોકસભા ઈલેક્શન સમયે જ ટકરાવ થશે તેવુ રાજકીય તજજ્ઞોનુ માનવું છે. પક્ષને વારંવાર બ્લેકમેલ કરતા અલ્પેશ ઠાકોરની સામે જો હાર્દિકનું કદ વધી ગયુ તો અલ્પેશ ઠાકોર વધુ નારાજ બની શકે છે. તો બીજી તરફ, કોંગ્રેસ પણ હાર્દિકને સૌરાષ્ટ્રની સીટ પર ઈલેક્શન લડાવવાની તૈયારી કરી રહ્યું છે. છેલ્લા ચાર દિવસમાં કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો ભાજપમાં જોડાયા, જેથી કોંગ્રેસ આ ડેમેજ કન્ટ્રોલ સંભાળવા માટે હાર્દિકને સૌરાષ્ટ્રમાંથી ચૂંટણી લડાવી શકે છે. ઉપરાઉપરી રાજીનામા બાદ કોંગ્રેસનો સૌરાષ્ટ્ર ઝોન નબળો બની રહ્યો છે. તેથી હાર્દિકની ટ્વિટર પર જાહેરાત મુજબ કોંગ્રેસ તેને જામનગરથી પણ લડાવી શકે છે. અને જો પક્ષમાં હાર્દિકનું કદ વધ્યુ તો, અલ્પેશ ફરીથી કોંગ્રેસ સામે બાંયો ચઢાવી શકે છે. 


અલ્પેશની હાર્દિકવાળી ટિપ્પણીથી વિવાદ થયો હતો
હાર્દિક અને અલ્પેશ વચ્ચેની અંટસના સંકેત તાજેતરમાં જ મળ્યા હતા. અલ્પેશે એક ચેનલના ઈન્ટરવ્યૂમાં હાર્દિક વિશે કહ્યું હતું કે, રાયોટિંગના ગુનામા અદાલતે તેને દોષી ઠેરવતા તેના માટે લોકસભા ચૂંટણી લડવી મુશ્કેલ બનશે. તો હાર્દિકે અલ્પેશની આ ટિપ્પણી ફગાવી દીધી હતી.  હાર્દિકે કહ્યું હતું કે, તેની લોકસભા ચૂંટણી લડવાની શક્યતાઓને આની કોઈ અસર નહીં થાય અને તેણે હાઈકોર્ટમાં અપીલ કરી દીધી છે.


તો બીજી તરફ, હાલ કોંગ્રેસમાં અમિત ચાવડા અને પરેશ ધાનાણી સામે અનેક નેતાઓની નારાજગી છે. આવામાં પક્ષનો ચહેરો બનવાની હોડમાં પણ હાર્દિક અને અલ્પેશ વચ્ચે ચડસાચડસી થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીમાં પોતાના માટે પાટણની અને પત્ની માટે અન્ય બેઠકની માંગણી કરવા માટે અલ્પેશ ઠાકોરે છેક દિલ્હી સુધી ધામા નાખ્યા હતા. તો, તેની ભાજપમાં જોડાવાની અફવાઓ અનેકવાર ઉડી છે. જેના પર તેણે પણ અનેકવાર પૂર્ણવિરામ મૂક્યું છે.