દસક્રોઈના વાંચ ગામે જૂની અદાવતમાં જૂથ અથડામણ, ચાર લોકો ઈજાગ્રસ્ત
પોલીસના જણાવ્યા અનુસાર થોડા જ દિવસો પહેલા આ જ બંને જૂથ વચ્ચે બબાલ થઈ ચૂકી હતી
અમદાવાદઃ દસક્રોઈ તાલુકાના વાંચ ગામે બનેલી જૂથ અથડામણ પાછળ જુની અદાવત હોવાનું સામે આવ્યુ છે. વાંચ ગામે 500 લોકોનું ટોળું સામસામે આવી જતાં વાતાવરણ તંગ બન્યુ હતું. જેમાં લોકોએ પથ્થર, ધારીયા અને તલવાર વડે ધમાલ મચાવતા લોકોના ઘરોમાં ભારે નુકશાન પહોંચ્યુ હતું. સાથે જ લોકોએ 5 થી 7 જેટલી ગાડીઓ અને બાઈક પણ તોડફોડ કરી હતી. આ અથડામણમાં 4 જેટલા લોકોએ ગંભીર ઈજા પહોંચી છે. જૂથ અથડામણની જાણ થતાં જ વિવેકાનંદ પોલીસ સ્ટેશનથી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી મામલાને થાળે પાડવા માટે પોલીસે એક ટીયર ગેસનો સેલ પણ છોડવાની ફરજ પડી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર થોડા જ દિવસો પહેલા આ જ બંને જૂથ વચ્ચે બબાલ થઈ ચૂકી હતી અને આજે એક નજીવા પંચર બનાવવાની બાબતને લઈને ફરી એકવાર બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. પરંતુ હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયા બાદથી સમગ્ર મામલો થાળે પડ્યો છે. હાલ તો પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહીની તજવીજ હાથ ધરાઈ છે.