ગૌરવ પટેલ/અમદાવાદ :ગઈકાલે શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં જોડાયા હતા. સૌથી પહેલા તેઓ કોંગ્રેસમાં હતા, ત્યાર બાદ ભાજપમાં જોડાયા હતા, પરંતુ હવે ફરી કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. આમ, તેમણે ત્રણવાર પાર્ટી બદલી છે. ત્યારે મહેન્દ્રસિંહ વાઘેલાના આગમન સાથે કોંગ્રેસમાં વિવાદ શરૂ થયો છે. કારણ કે, મહેન્દ્રસિંહ વાઘેલા બાયડ બેઠક પરથી કોંગ્રેસના દાવેદાર ગણાય છે. ત્યારે અરવલ્લીની બાયડ બેઠકને લઈ માથાકૂટ શરૂ થઈ છે. એક તરફ, કોંગ્રેસમાં વર્તમાન ધારાસભ્યને રિપીટ કરવાની પરંપરા છે. ત્યારે સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે કે, આ બાબતથી જશુભાઈ પટેલ નારાજ છે, કારણ કે તેઓ બાયડ બેઠક પર કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય છે. સાથે જ આ મુદ્દે સિધ્ધાર્થ પટેલે પણ નારાજગી વ્યક્ત કરી છે. કારણ કે, બાયડ બેઠક માટે બંને વચ્ચે ગળાકાપ સ્પર્ધા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહેન્દ્રસિંહના કોંગ્રેસ પ્રવેશ બાદ બાયડ બેઠક માટે કોગ્રેસમાં ઉકળતો ચરુ જેવી સ્થિતિ છે. કોંગ્રેસમાં વર્તમાન ધારાસભ્યને રિપીટ કરવાની પરંપરા છે. આવામાં જશુભાઇ પટેલ કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય છે. તો મહેન્દ્રસિંહ વાઘેલા જુની મેઘરજ માલપુર બેઠકના પૂર્વ ધારાસભ્ય છે. ત્યારે બાયડ બેઠક માટે બંને નેતાઓ વચ્ચે ગળાકાપ સ્પર્ધા ચાલી રહી છે. ત્યારે સૂત્રો અનુસાર, મહેન્દ્રસિંહના કોંગ્રેસ પ્રવેશ અને બાયડ બેઠક મુદ્દે જશુ પટેલ અને સિધ્ધાર્થ પટેલ નારાજ છે. સિદ્ધાર્થ પટેલ પાટીદાર ફેક્ટરને કારણે નારાજગી દાખવી રહ્યાં છે. તેમજ સિદ્ધાર્થ પટેલ અને જશુ પટેલ સાથે જોડાયેલા હોવાથી તેમનો આ મામલે વિરોધ છે.


આ પણ વાંચો : Breaking : પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ પૂરો થતા જ જાહેર થશે ચૂંટણીની તારીખ


બાયડ બેઠક પર આ વખતે ઉમેદવારી કોણ કરશે એ સવાલ છે. મહેન્દ્રસિંહ વાઘેલાના કોંગ્રેસમાં આવતા જ વિવાદોનું વંટોળનું ઉભું થયું છે. વર્તમાન ધારાસભ્યને જ ટિકિટ અપાય તેવી બાયડના સ્થાનિકવાસીઓની માંગ છે, એટલે કે જશુભાઈ પટેલને ટિકિટ આપવામાં આવે. 


બાયડ બેઠકનો રાજકીય ઈતિહાસ


  • 2002માં કોંગ્રેસના રામજીસિંહ સોલંકીની જીત

  • 2007માં ભાજપના ઉદેસિંહ ઝાલાની જીત

  • 2012માં કોંગ્રેસના મહેન્દ્રસિંહ વાઘેલાની જીત

  • 2017માં કોંગ્રેસના ધવલસિંહ ઝાલાની જીત

  • 2019માં કોંગ્રેસના જશુભાઈ પટેલની જીત  


જશુભાઈએ કોંગ્રેસને જીત અપાવી હતી
2017 ની ચૂંટણી પર નજર કરીએ તો, આ બેઠક પરથી 2017માં ચૂંટણી લડનાર ધવલસિંહ ઝાલા જીત્યા હતા, પરંતું બાદમાં તેઓએ પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયા હતા. જેના બાદ પેટાચૂંટણી યોજાઈ હતી. પેટાચૂંટણીમાં પણ અહી કોંગ્રેસનો પરચમ લહેરાયો હતો, અને કોંગ્રેસના ઉમેદવાર જશુ પટેલ એ ધવલસિંહ ઝાલા સામે જીત્યા હતા. 


બાયડ બેઠક પર મતદારો


  • 1,26,000 ક્ષત્રિય ઠાકોર મતદારો

  • 31,000 પાટીદાર મતદારો

  • 9000 ચૌધરી મતદારો

  • 12,000 દલિત મતદારો

  • 5000 મુસ્લિમ મતદારો

  • 43,500 અન્ય મતદારો

  • કુલ 2,31,000 મતદારો

  • 1,18,817 પુરુષ મતદારો

  • 1,12,286 મહિલા મતદારો



મહેન્દ્રસિંહ વાઘેલાની પક્ષપલટાની રાજનીતિ
પક્ષપલટાની વાત કરીએ તો, મહેન્દ્રસિંહ વાઘેલા પણ પોતાના પિતાની જેમ પાર્ટી બદલવામાં માહેર છે. 2012ની વિધાનસભા ચૂંટણીમાં મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસમાંથી બાયડ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા. આ ચૂંટણીમાં 35 હજાર 923 મતથી વિજયી બન્યા હતા. જેના બાદ વર્ષ 2018 માં ભાજપમાં જોડાયા હતા. જોકે વર્ષ 2018ના ઓક્ટોબરમાં તેમણે અચાનક જ ભાજપમાંથી રાજીનામુ આપ્યુ હતું. હવે ચાર વર્ષ બાદ તેઓ ફરીથી કોંગ્રેસમાં જોડાયા છે.