સુરતમાં ખુટી મજૂરો અને કારીગરોની ધીરજ, થઈ ગઈ પોલીસ સાથે મોટી બબાલ
મળતી માહિતી પ્રમાણે સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારના લસકાણા ડાયમંડ નગરમાં મોડી સાંજે કારીગરો અચાનક જ રસ્તા પર ઉતરી આવ્યા હતાં. આ કારીગરોની માંગ હતી કે રોજગાર અને ધંધો બંધ હોવાના કારણે તેમને વતન પરત જવા દેવામાં આવે.
સુરત : એકબાજુ ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે તો બીજી બાજુ લોકોની ધીરજ પણ ખુટી રહી છે. આ સ્થિતિમાં મજૂરો અને કારીગરો વતનમાં જવા માટે બેબાકળા બન્યા છે. સુરતના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ કારખાનાઓ બંધ હોવાના કારણે મૂળ ઓરિસ્સાના કારીગરો દ્વારા વતનમાં જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, પોલીસે તેમને સમજાવવા જતાં જ પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને ટાયરો પણ સળગાવવામાં આવ્યા હતાં.
મળતી માહિતી પ્રમાણે સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારના લસકાણા ડાયમંડ નગરમાં મોડી સાંજે કારીગરો અચાનક જ રસ્તા પર ઉતરી આવ્યા હતાં. આ કારીગરોની માંગ હતી કે રોજગાર અને ધંધો બંધ હોવાના કારણે તેમને વતન પરત જવા દેવામાં આવે. કારીગરોને સમજાવવા માટે પોલીસ મથતી રહી પરંતુ અંતે ઘર્ષણ થયું હતું અને કારીગરોએ પોલીસ પર જ પથ્થરમારો કર્યો હતો.
આ ઘટનાની જાણ થતાં જ અન્ય જગ્યાએ પેટ્રોલિંગ કરતો પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. મૂળ ઓરિસ્સાના કારીગરોએ વતન પરત જવા માટે બબાલ કરી હોવાનું જાણવા મળે છે. નોંધનીય છે કે ઓરિસ્સા સરકારે પણ લોકડાઉન લંબાવ્યું છે. ઓરિસ્સા સરકારે આગામી 30મી એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube