અલકેશ રાવ/બનાસકાંઠા :ત્રિપલ તલાક મામલે કેન્દ્ર સરકારે નવા બનાવેલા કાયદા બાદ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે એક મુસ્લિમ મહિલાએ પતિ દ્વારા અપાયેલા ત્રિપલ તલાકને લઈને ફરિયાદ નોંધાવી હતી. જે મામલો પાલનપુર કોર્ટમાં ચાલી જતા આરોપી પતિ એવા ક્લાસ-2 અધિકારીને કોર્ટે એક વર્ષની કેદ તેમજ પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. રાજ્યમાં તલાકના કેસમાં સજાનો પ્રથમ બનાવ છે. કોર્ટે સજા સંભળાવતા જ પત્નીએ કહ્યું કે, ટ્રિપલ તલાકનો કાયદો બનાવનાર મોદી સરકારનો આભાર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાલનપુર તાલુકાના હેબતપુર ના રહીશ સરફરાઝખાન બીહારી દાંતીવાડા સીપુ નિગમ ડેપ્યુટી એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. જેમના લગ્ન વડગામની જુનીનગરીની યુવતી સાથે થયા હતા. લગ્ન જીવનથી દંપતીને એક પુત્રીનો જન્મ થયો હતો. સરફરાઝખાન દાંતીવાડા સીપુ ડેમના ડેપ્યુટી એન્જિનિયર તરીકે નોકરી કરતા હોવાથી તેઓની સાથે નોકરી કરતી હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો, બાદમાં તેની સાથે ભાગીને લગ્ન કર્યા હતા. જેના બાદ તેઓએ પત્નીને ત્રણ વાર તલાક તલાક તલાક બોલીને ઘરમાંથી પુત્રી સાથે પત્નીનેકાઢી મૂકી હતી.
 
આ મામલે પત્નીએ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ક્લાસ-2 અધિકારી સરફરાઝખાન સામે ઈપ્કો કલમ ૪૯૮(ક), ૩૨૩, ૨૯૪, ૫૦૪, ૫૦૬(૨) ની તેમજ મુસ્લિમ પ્રોટેક્શન ઓફ એક્ટ ૩,૪ મુજબની ફરિયાદ થઈ હતી. પત્નીની ફરિયાદ સામે પાલનપુરની એડિશનલ કોર્ટે આરોપી પતિને એક વર્ષની સજા અને પાંચ હજારનો દંડ ફટકાર્યો છે. આમ ગુજરાતમાં ત્રિપલ તલાકનો કાયદો બન્યા બાદ પાલનપુરની કોર્ટની આ ટ્રિપલ તલાકના કાયદામાં પ્રથમ સજા છે.


પીડિતા પત્નીએ મીડિયા સામે જણાવ્યુ કે, મને ત્રણ વખત તલાક બોલીને ઘરમાંથી કાઢી મૂકી હતી આજે કોર્ટે જે ચુકાદો આપ્યો તેનાથી મને ન્યાય મળ્યો છે. મારા જેવી અનેક યુવતીઓ છે જે ત્રિપલ તલાકથી પીડિત છે. ટ્રિપલ તલાકના કાયદાની મદદથી પતિ સામે કોર્ટમાં જંગ છેડનાર પત્નીને ત્રણ વર્ષે ન્યાય મળતા પીડિત પત્નીએ ટ્રિપલ તલાકનો કાયદો ઘડનાર મોદી સરકારનો આભાર માન્યો હતો. 


આમ, બનાસકાંઠાની કોર્ટે ગુજરાતમાં પ્રથમ વખત ત્રિપલ તલાકના કાયદા બાદ આરોપીને સજા ફટકારીને એક દાખલો બેસાડ્યો છે. ગુજરાતની અનેક પીડિત પત્નીઓ ત્રિપલ તલાકનો ભોગ બનતા અટકી શકશે.