અમદાવાદ: આજથી અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો રંગારંગ પ્રારંભ થયો છે. આજથી (25 ડિસેમ્બર 2022) સાત દિવસ સુધી ચાલનારા કાર્નિલવનો સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધિવત રીતે શુભારંભ કરાવ્યો. કોરોનાના 2 વર્ષ બાદ અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનું આયોજન થઈ રહ્યું છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. પૂર્વ PM વાજપેયીના જન્મદિવસે દર વર્ષે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનું આયોજન કરાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાંકરિયા ખાતે આવી પહોંચ્યા છે. ઋષિકુમારો દ્વારા મંત્રોચ્ચાર સાથે મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું છે. અહીં કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે આ ભવ્ય કાંકરિયા કાર્નિવલ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ પ્રસંગે અમદાવાદના મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ અને દંડક અરુણસિંહ રાજપૂત કાંકરિયા પહોંચયા છે. તમામ કમિટીઓના ચેરમેન અને કોર્પોરેટરો પણ કાર્નિવલના ઉદ્ઘાટન સમારોહમાં પહોંચ્યા છે. મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારેસન તેમજ તમામ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા છે.


મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલમાં જણાવ્યું હતું કે, મેટ્રો સીટી અમદાવાદના આંગણે AMC દ્વારા અને પંચમહાલ જિલ્લામાં પંચમહોત્સવ આજથી શરુ થઈ રહ્યો છે. આજે આપણા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાઇની જન્મજ્યંતી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદની જનતાને આનંદ પ્રમોદ મળે તે માટેનું 2008-09 માં આયોજન શરુ કર્યું હતું. લોકો રથયાત્રાની જેમ જ કાંકરિયા કાર્નિવલની રાહ જોવે છે. કાંકરિયા કાર્નિવલ આજે વૈશ્વિક લેવલે ઓળખ ધરાવે છે. પહેલા ખરાબ પાણી, અસામાજિક તત્વોનો અડ્ડો, તૂટેલી દીવાલો હતી. પણ તેની કયાપલટ કરવામાં આવી છે.


ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસ દ્વારા હોર્સ શૉ, ડોગ શૉ, લેસર શૉ, ફૂડ કોર્ટનું આયોજન કરવામાં આવ્યો છે. આ કાર્નિવલ અમૃત મહોત્સવનો પહેલો કાર્નિવલ છે. અમદાવાદ ઇતિહાસનો ગૌરવ ધરાવવાની સાથે આધુનિકતાનો ગૌરવ પણ ધરાવે છે.


તમને જણાવી દઈએ કે, વર્ષ 2008થી અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવની થીમ પર કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. 31 ડિસેમ્બરે એક ભારત શ્રેષ્ઠ ભારત વિષય અંતર્ગત ભવ્ય ઉજવણી કરાશે. આ વર્ષે પણ અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ કોવિડ પ્રોટોકોલના પાલન સાથે ભાગ લેવા તંત્રએ લોકોને અપીલ કરી છે.


ઉલ્લેખનીય છે કે, કોરોનાના નવા વેરિયન્ટ વચ્ચે કાંકરિયા કાર્નિવલમાં હેલ્થ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. જેમાં માસ્કનું મફત વિતરણ અને જો કોઈ વ્યક્તિએ કોરોના ટેસ્ટ કરાવવો હોય તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કાંકરિયાની મુલાકાત લેવા આવનારા લોકોમાં પણ સજાગતા જોવા મળી રહી છે અને સામેથી માસ્ક લેવા લોકો પહોંચી રહ્યા છે. 


કાંકરિયા માસ્ક વિતરણ
2 વર્ષ બાદ અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે કોરોનાના નવા વેરિયન્ટના ખતરાથી કાંકરિયા કાર્નિવલમાં ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. કોરોના કેસ વધતા કાર્નિવલમાં કોવિડ પ્રોટોકોલ અંતર્ગત માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. જેથી કાંકરિયા પરિસરમાં પ્રવેશતા દરેક વ્યક્તિને પાલિકા દ્વારા મફતમાં માસ્કનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. હાલ કોરોનાની સ્થિતિ વધુ ગંભીર નથી. પરંતુ સાવચેતીના ભાગરૂપે તમામ તકેદારીના પગલા ભરવામાં આવી રહ્યા છે..જેથી કાંકરિયાના દરેક ગેટ પરથી પ્રવેશતા લોકોને માસ્કનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.


કાંકરિયા પરફોર્મન્સ
આ વખતે અમદાવાદમાં આઝાદી કા અમૃત મહોત્સવ થીમ પર કાંકરીયા કાર્નિવલ યોજાઈ રહ્યો છે. જેમાં કાંકરિયા પરિસરમાં અલગ અલગ 3 સ્ટેજ બનાવવામાં આવ્યા છે. જેમાં સાત દિવસ સુધી ગુજરાતના જાણીતા કલાકારો પરફોર્મન્સ કરી રહ્યા છે. જેમાં આજે આઝાદી કા અમૃત મહોત્સવ અને 31 ડિસેમ્બરે એક ભારત શ્રેષ્ઠ ભારત થીમ પર કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં ભૂમિકા શાહ, જિજ્ઞેશ દવે, વિજય સુવાળા, સાંઈરામ દવે અને આદિત્ય ગઢવી પરફોર્મન્સ કર્યું. જેમાં રોક બેન્ડ,  ડ્રામા, ડાન્સ, યોગા, ડોગ અને હોર્ષ શોની ઝલક કાંકરિયા કાર્નિવલમાં જોવા મળી. તો સાંસ્કૃતિક કાર્યક્રમો અને લાઈટ સાઉન્ડ લેસર શો આકર્ષણનું કેન્દ્ર બની.


કાંકરિયા સ્માર્ટ પોલ
કોરોનાના લીધે બે વર્ષ બાદ આજથી અમદાવાદનો સૌથી મોટો ઉત્સવ એટલે કે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે આ વખતે મહાનગર પાલિકાએ કાંકરિયા પ્રાંગણમાં એક ખાસ હાઈબ્રીડ સ્માર્ટ પોલ લગાવ્યો છે. પ્રધાનમંત્રીનાં રીન્યુએબલ અને ગ્રીન એનર્જીના સંકલ્પને પ્રોત્સાહન આપતા અભિગમને ધ્યાનમાં રાખી આ પોલ લગાવવામાં આવ્યો છે. સૌર અને પવન ઊર્જા આધારિત સ્માર્ટ વિન્ડ સોલાર હાઈબ્રિડ સ્ટ્રીટલાઇટ પોલ લગાવ્યું છે. જેમાં કોઈ જ પ્રકારનું કેબલિંગ કરવામાં આવ્યું નથી. એટલું જ નહીં પિ.ટી.ઝેડ સીસીટીવી કેમેરા, 360 ડિગ્રી ફરી શકે તેવા અત્યાધુનિક રેવોલવિંગ વાયરલેસ કેમેરા થી દેખરેખ રાખી શકાય છે. આ હાઇબ્રીડ સ્માર્ટ પોલમાં વીજળીનું બિલ શૂન્ય આવશે અને દરરોજ 8થી 9 યુનિટ વિજળીનું ઉત્પાદન પણ થશે.