Live રેસ્ક્યૂ વચ્ચે હરણી તળાવ પહોંચ્યા CM; ભૂપેન્દ્ર પટેલે લીધો મોટો નિર્ણય, બે શખ્સોની અટકાયત
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા પહોંચ્યા છે. તેઓ હરણી તળાવ ખાતે પહોંચ્યા છે. તેમણે અહીં ચાલી રહેલા રેસ્ક્યૂ ઓપરેશન અંગે માહિતી મેળવી હતી.
ઝી બ્યુરો/વડોદરા: વડોદરા હરણી તળાવમાં બોટ પલટી જવાથી કરૂણ ઘટના બની છે. આ ઘટનામાં 13 બાળકો અને 2 શિક્ષકના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય બાળકોની શોધખોળ હજુ ચાલુ છે. આ ઘટનામાં જાણવા મળ્યું છે કે વાઘોડીયાની સનરાઇઝ સ્કૂલના બાળકો હતા. જ્યારે ફાયર અને NDRFની ટીમનું રેસ્ક્યૂ શરૂ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા પહોંચ્યા છે. તેઓ હરણી તળાવ ખાતે પહોંચ્યા છે. તેમણે અહીં ચાલી રહેલા રેસ્ક્યૂ ઓપરેશન અંગે માહિતી મેળવી હતી. તેમણે દુર્ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આ તાત્કાલિક વડોદરા ખાતે દોડી ગયા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને ગૃહ વિભાગ દ્વારા તાત્કાલિક વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટનાની ઉચ્ચ કક્ષાએ તપાસ અંગે આદેશ જારી કર્યા છે.
વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટનાની ઉચ્ચ કક્ષાએ વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટને તપાસ સોંપવાનો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે. વિગત વાર તપાસ અહેવાલ 10 દિવસમાં રાજ્ય સરકારને સુપ્રત કરવાનો રહેશે. ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર મામલે બે શખ્સોની અટકાયત કરી છે. મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ શાહ હજી ફરાર છે. પરંતુ ક્રાઇમ બ્રાન્ચ જે બે શખ્સોની અટકાયત કરી છે તેની પુછપરછ ચાલું છે. પોલીસને હરણી લેક ઝોનના ઘટના પાસેના સીસીટીવી ફૂટેજ પણ મળ્યા છે. પોલીસ સીસીટીવી ફુટેજના આધારે વધુ તપાસ કરી રહી છે.
આ ગંભીર બનાવના સંબંધમાં સરકારએ ઉચ્ચકક્ષાએ તપાસ કરાવવાનો નિર્ણય કરીને વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટ તપાસ સોંપતા હવે કયા સંજોગોમાં અને કયા કારણોસર આ બનાવ બનવા બન્યો છે.? આ બનાવ સંબંધમાં સ્થાનિક તંત્ર, કોઇ ઇજારદાર કે અન્ય કોઇની નિષ્કાળજી કે બેદરકારી છે કે કેમ? ભવિષ્યમાં આવા બનાવ બનતા અટકે તે માટેના નિવારક પગલાંઓ? ની દિશામાં તપાસ હાથ ધરવામાં આવશે.
ભૂપેન્દ્ર પટેલનું ટ્વીટ
ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું છે કે, ‘વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. તંત્ર દ્વારા બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકની બચાવ કામગીરી હાલ ચાલુ છે. દુર્ઘટનાનો ભોગ બનનારાને રાહત અને સારવાર તાકીદે મળે તે માટે તંત્રને સૂચના આપી છે.’
CMએ ટ્વિટ કરી મૃતક અને ઇજાગ્રસ્તને સહાય જાહેર કરી
હરણી તળાવ દુર્ઘટનામાં તંત્ર દ્વારા રાહત-બચાવ અને સારવારની કામગીરી ચાલુ છે. રાજ્ય સરકાર આ દુર્ઘટનામાં જાન ગુમાવનાર પ્રત્યેક મૃતકના પરિવારજનને 4 લાખ અને ઈજાગ્રસ્તને 50 હજારની સહાય કરશે. મહત્વનું છે કે વડોદરાની ગોઝારી દુર્ધટનાને લઇ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા જવા નીકળ્યા છે.
મૃતકોના પરિવારને 2 લાખ અને ઘાયલોને 50 હજારની સહાય: PM
વડોદરાના હરણી તળાવ ખાતે બોટ પલટી જવાથી જાનહાની થવાથી હું વ્યથિત છું. દુ:ખની આ ઘડીમાં મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય એવી પ્રાર્થના. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યું છે. PMNRFમાંથી રૂપિયા 2 લાખની સહાય દરેક મૃતકના પરિવારજનોને આપવામાં આવશે. જ્યારે ઘાયલોને રૂપિયા 50 હજારની સહાય આપવામાં આવશે.