ઝી બ્યુરો/ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો અને મહાનગરોમાં જન સુખાકારીના વધુને વધુ કામો દ્વારા નાગરિકોના ઇઝ ઓફ લિવિંગમાં વૃદ્ધિની નવી દિશા વિકસાવી છે. મુખ્યમંત્રીએ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટનો ધ્યેય સાકાર કરવા આ હેતુસર રાજ્યના ત્રણ મહાનગરોને કુલ ૪૨૪ વિવિધ જનહિતકારી વિકાસ કામો માટે સમગ્રતયા ૪૮૩.૭૧ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આયોજનબદ્ધ શહેરી વિકાસ માટે તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ગુજરાત રાજ્યની સ્વર્ણિમ જયંતી ઉજવણીના વર્ષ-૨૦૧૦માં શરૂ કરાવેલી સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ત્રણ મહાનગરોને આ રૂ. ૪૮૩.૭૧ કરોડની રકમ ફાળવી છે. તદઅનુસાર, પાટનગર ગાંધીનગરની ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી-ગુડાને ભાઈજીપુરાથી ગિફ્ટસિટી તરફ જતા સિગ્નેચર બ્રિજ સુધીના રોડના કામો માટે ૨૦.૭૪ કરોડ રૂપિયાની ફાળવણીની મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. ગાંધીનગર-કોબા હાઈ-વે ને ગિફ્ટસિટી સાથે જોડતા આ મુખ્ય માર્ગની બેય તરફ વિવિધ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ કાર્યરત છે. નોલેજ હબ તરીકે આ વિસ્તાર ડેવલપ કરવાની હાલની પ્રગતિ હેઠળની કામગીરી ઉપરાંત મેટ્રો રેલની ભવિષ્યની ઉપલબ્ધિને ધ્યાનમાં લઇને આ રોડના ડેવલપમેન્ટ તેમજ બ્યુટિફિકેશન હેતુસર સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ખાસ કિસ્સામાં ૨૦.૭૪ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.


ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક અનુમતિ આપી
આગામી વાઇબ્રન્ટ સમિટ-૨૦૨૪ ગાંધીનગરમાં યોજાવાની છે ત્યારે મુખ્ય માર્ગોની બાજુમાં ફુટપાથ, લેન્ડ સ્કેપિંગ, ૩ ઓવરબ્રિજ અને ૨ અંડરપાસનું થીમ બેઇઝ્ડ પેઇન્ટિંગ અને આર્ટ વર્ક સહિતના પાંચ જેટલા આંતરમાળખાકીય વિકાસ કામો રૂ. ૩૫.૫૦ કરોડના ખર્ચે હાથ ધરવાની પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.


ગાંધીનગર અને ગુંડાના 8 કામો માટે રૂ. ૬૬.૯૫ કરોડ
આ કામો ઉપરાંત મુખ્યમંત્રીએ ગાંધીનગર મહાનગરપાલિકાના આઉટગ્રોથ વિસ્તાર વિકાસ કામો માટેની બે દરખાસ્તો જેમાં રક્ષાશક્તિ સર્કલથી કોબા સર્કલના રોડનું બ્યુટિફિકેશન એન્‍ડ લેન્ડ સ્કેપિંગ અને મહાનગરપાલિકામાં સમાવાયેલા ગામોમાં નવા સિમેન્ટ કોંક્રીટ રોડ બનાવવાનો સમાવેશ થાય છે. તેના માટે પણ ૧૦.૭૦ કરોડ રૂપિયા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ફાળવવાની મંજૂરી આપી છે.


આ કામો માટે ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી
મુખ્યમંત્રીએ સુરત અને વડોદરા મહાનગરપાલિકાઓને પણ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે વિકાસકામો માટે રકમ ફાળવી છે. સુરતમાં સેન્ટ્રલ ઝોનમાં નાનપુરા અને નોર્થ ઝોનમાં કતાર ગામ વિસ્તારોમાં ઓડિટોરિયમ નિર્માણના ૨ કામો માટે  ૧૪૫ કરોડ રૂપિયા ફાળવવા સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ ઉપરાંત આઉટગ્રોથ વિસ્તાર વિકાસ કામો અન્‍વયે ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝના ૨૧ કામો, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલિટીઝના ૧૯ કામો અને અર્બન મોબિલિટીના બે કામો એમ ૭૫ કામો માટે ૧૫૧.૨૫ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવાની ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.


શહેરીજીવન વધુ સુવિધાયુક્ત બનશે
મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત રોડ કાર્પેટીંગ, રી-કાર્પેટિંગ તથા હયાત માર્ગો પહોળા કરવા અને ફુટપાથ સહિતના ૧૭૫ કામો માટે સુરત મહાનગરપાલિકા માટે ૬૩.૮૧ કરોડ રૂપિયા મુખ્યમંત્રીશ્રીએ મંજૂર કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા મહાનગરપાલિકાને આઉટગ્રોથ વિસ્તારોમાં પાણી પુરવઠો, વરસાદી ગટરના કામો, ડ્રેનેજ તથા રોડના કામો, પેવર બ્લોક કામો જેવા કૂલ ૧૬૪ કામો માટે રૂ. ૫૬.૭૦ કરોડની ફાળવણી માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ બધા જ વિકાસકામો નગરો-મહાનગરોમાં લોન્ગ ટર્મ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટની નવી દિશા આપશે અને શહેરીજીવન વધુ સુવિધાયુક્ત બનશે.