ભરૂચ: ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ-૨ ઔદ્યોગિક વસાહત ખાતે રૂા.૮૮૧ કરોડના ખર્ચે ઔદ્યોગિક હેતુ માટે નવનિર્મિત દેશના સૌપ્રથમ ૧૦૦ એમ.એલ.ડી. ડિસેલિનેશન પ્લાન્ટનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતને દેશના વિકાસનું ગ્રોથ એન્જીન બનાવવામાં રાજ્યના ઉદ્યોગોનો સિંહફાળો છે. ઉદ્યોગો રાજ્યની કરોડરજ્જુ સમાન છે, ત્યારે ઉદ્યોગકારોની સમસ્યાઓ-રજૂઆતોના નિરાકરણ માટે રાજ્ય સરકાર હરહંમેશ તત્પર છે. 
               
મુખ્યમંત્રીના હસ્તે અંકલેશ્વર વસાહત ખાતે રૂ.૫.૪૪ કરોડના ખર્ચે નવનિર્મિત GIDCના અદ્યતન વહીવટી સંકુલનું લોકાર્પણ તેમજ નવી ઔદ્યોગિક નીતિ હેઠળ ૯૩ MSME એકમોને રૂ.૧૧ કરોડની સહાયના ચેકોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ કલેક્ટર તુષાર સુમેરાના વિઝન હેઠળ ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભરૂચને શ્રેષ્ઠ અને રહેવાલાયક બનાવવાના નવતર અભિયાન 'માય લિવેબલ ભરૂચ' અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો, જેના લોગોનું તેમણે ઈ-અનાવરણ કર્યું હતું.
              
આ પ્રસંગે મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યુ હતું કે, લોકહિત માટે શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. રોડ, રેલ અને એર કનેક્ટિવિટીમાં ગુજરાત અગ્રેસર છે, છેલ્લા બે દશકામાં ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે, જેના પાયામાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની હકારાત્મક ઔદ્યોગિક નીતિઓ છે, રાજ્ય સરકાર વિવિધ સ્ટાર્ટ અપ પોલિસી, ઇન્ડસ્ટ્રીઅલ પોલિસી, ઇલેક્ટ્રોનિક અને એરોસ્પેસ પોલિસી, સોલાર પોલિસી, ગારમેન્ટ-એપેરલ, ડિફેન્સ અને આઈ.ટી. પોલિસી ઘડીને તેના અસરકારક અમલીકરણ થકી વિકાસની યાત્રાને વધુ વેગવાન બનાવી રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચોઃ Gujarat Election: ભાજપે ઉત્તર ઝોનની 59 સીટો માટે પ્રભારીઓની કરી જાહેરાત, જાણો કોને મળી જવાબદારી
              
પીએમ પાણીના વિવેકપૂર્ણ ઉપયોગના પ્રખર હિમાયતી છે એમ જણાવતાં મુખ્યમંત્રીએ મહામૂલા પાણીના યોગ્ય અને કરકસરપૂર્વક ઉપયોગ પર ભાર મૂક્યો હતો. તેમણે જે રીતે કોરોનામાં માનવીને ઓક્સિજનની જરૂરિયાત સમજાઈ હતી, એ જ રીતે વર્તમાન સમયમાં પાણીના મહત્વ અને પાણીની કમીથી સર્જાઈ રહેલી વિકટ સ્થિતિને નજર સમક્ષ રાખી પાણીને પારસમણિ સમાન ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો. 
            
ઔદ્યોગિક જરૂરિયાતને પહોંચી વળવા માટે પાણીના વૈકલ્પિક સ્ત્રોત તરીકે સમુદ્રના ખારા પાણીનું શુદ્ધિકરણ કરી તેને ઉપયોગયુકત બનાવવા દહેજમાં ૧૦૦ MLD ક્ષમતાનો ડિસેલીનેશન પ્લાન્ટ નિર્માણ એ રાજ્ય સરકારની આગવી સિદ્ધિ છે એમ જણાવતાં મુખ્યમંત્રીએ રાજ્યનો છેવાડાનો માનવી કે રાજ્યના વિકાસમાં ભાગીદાર નાના મોટા ઉદ્યોગકારો હોય, સૌને સ્વ્ચ્છડ, શુદ્ધ પાણી મળી શકે તે માટે સરકાર સતત પ્રયત્નાશીલ છે એમ ઉમેર્યું હતું.


આ પણ વાંચોઃ 18 જૂને હીરાબાનો જન્મદિવસ, વડનગરમાં દિવાળી જેવો માહોલ, પરિવાર દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરાશે
              
તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રીના દિશાદર્શનમાં રાજ્ય સરકાર સાણંદ ખાતે જાપાનીઝ ઇન્ડસ્ટ્રીયલ ટાઉનશીપ, ભરૂચ ખાતે બલ્ક ટ્રક પ્રોજેક્ટ, ભાવનગરમાં પ્લાસ્ટિક પાર્ક, રાજકોટમાં મેડિકલ ડિવાઈસીસ પાર્ક અને અમદાવાદમાં મલ્ટીમોડેલ લોજીસ્ટીક પાર્ક વિકસાવવા આવી રહ્યા છે, જે રાજ્યના વિકાસમાં યશકલગી સમાન બનશે.        
                
આ પ્રસંગે ઉદ્યોગ અને સહકાર રાજ્ય મંત્રીજગદીશભાઈ વિશ્વકર્મા (પંચાલ)એ જણાવ્યું હતું કે, દેશના વિકાસમાં પાંચ ટોપ રાજ્યોમાં રોજગારી, ઉદ્યોગીકરણ અને વિકાસમાં ગુજરાત પ્રથમ સ્થાને છે.  પ્રધાનંમત્રીના આત્મનિર્ભર ભારતની વિભાવનાને પાણીના ક્ષેત્રમાં આત્મનિર્ભર બની દહેજ ઔદ્યોગિક વસાહતે સાકાર કરી છે. રોજગારદાતા દહેજના ડિસેલીનેશન પ્લાનન્ટ ની દરેક એન્જિનિયરિંગ, પર્યાવરણ અને ક્લાયમેટ ચેન્જનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ અવશ્ય મુલાકાત લેવી જોઈએ એવો ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. તેમણે દહેજ વિસ્તારની ભૌગોલિક રૂપરેખા, રોજગારી સર્જનમાં યોગદાન અને ઉદ્યોગોની સામાજિક જવાબદારીને બિરદાવી હતી.   
            
આ વેળાએ લાર્સન એન્ડ ટુબ્રો દ્વારા મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિમાં રૂ.૨૧ લાખનો ચેક મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરવામાં આવ્યો હતો. આ તકે લઘુભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને તેમની ટીમ તેમજ દહેજ, સાયખા અને વિલાયત ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગકારોએ મુખ્યમંત્રીનું પોષણકીટ આપી અભિવાદન કર્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube