CM વિજય રૂપાણી બી.એસ.એફ.જવાનોની સાથે ઉજવશે દિવાળી
મુખ્યમંત્રીના કાર્યક્રમને અનુલક્ષી પાલનપુર ખાતે કલેકટર સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને બી.એસ.એફ. સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.
અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણી દિવાળી પર્વ ભારત-પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા બનાસકાંઠા- નડાબેટ સરહદી વિસ્તારની સુરક્ષા કરતા બોર્ડર સિક્યોરીટી ફોર્સ (બી.એસ.એફ)ના જવાનો સાથે મનાવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી દિપાવલીના પાવન અવસરે નડાબેટ તેમજ ઝીરો પોઇન્ટ બોર્ડરની મુલાકાત લઇ સરહદનું નિરીક્ષણ કરીને બોર્ડર સિક્યોરીટી ફોર્સના જવાનોને મળી દિવાળીની શુભેચ્છા પાઠવશે.
મુખ્યમંત્રીના કાર્યક્રમને અનુલક્ષી પાલનપુર ખાતે કલેકટર સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને બી.એસ.એફ. સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં મુખ્યમંત્રીનું આગમન, નડાબેટ નડેશ્વરી માતાજીના દર્શન, બોર્ડર અને બી.એસ.એફ.ના જવાનો સાથે મુલાકાત અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કલેકટરને આ કાર્યક્રમને લગતી આનુષાંગિક વ્યવસ્થા કરવા સંબંધિત અધિકારીઓને સુચના અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
બેઠકમાં પોલીસ અધિક્ષક પ્રદીપ સેજુલ, નિવાસી અધિક કલેકટર એલ.બી.બાંભણીયા, બી.એસ.એફ.ના ઓફિસર બી.એસ.ભાટી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.