માધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસના રાજકીય શોકની જાહેરાત, PM મોદી અને રાહુલ ગાંધીએ દુખ વ્યક્ત કર્યું
- મુખ્યમંત્રીએ રાજ્યમાં માધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસનો શોક પાળવાની જાહેરાત કરી
- માધવસિંહ સોલંકીના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવાનો નિર્ણય કરાયો
બ્રિજેશ દોશી/ગાંધીનગર :ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી (madhavsinh solanki) એ આજે 94 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. તેમના નિધનથી ગુજરાતના રાજકારણમાં ક્યારેય ન પૂરાય તેવી ખોટ પડી છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને દિગ્ગજ નેતાને શ્રદ્ધાંજલિ આપી છે. તો મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીએ પણ શ્રદ્ધાંજલિ આપી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. તો ગુજરાત કોંગ્રેસના નેતાઓમાં દુખની લાગણી ફરી વળી છે.
આજે સવારથી મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, શંકરસિંહ વાઘેલા સહિત અનેક દિગ્ગજ નેતાઓએ માધવસિંહ સોલંકીના અંતિમ દર્શન કર્યા હતા. ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્ર સરકારના પૂર્વ વિદેશમંત્રી મુરબ્બી માધવસિંહ સોલંકીના પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાજીવ ગાંધી ભવન, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, અમદાવાદ ખાતે આવતીકાલે તા. 10 જાન્યુ. રવિવાર બપોરે 03 થી 05 વાગ્યા સુધી રાખવામાં આવશે.
એક દિવસનો રાજકીય શોક જાહેર
મુખ્યમંત્રીએ રાજ્યમાં માધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસનો શોક પાળવાની જાહેરાત કરી છે. માધવસિંહ સોલંકીના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવાનો નિર્ણય પણ મુખ્યમંત્રીએ કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજના તેમના મહીસાગર જિલ્લાના કાર્યક્રમો રદ કર્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે બપોરે 12 કલાકે રાજ્ય મંત્રી મંડળની બેઠક ગાંધીનગરમાં મળશે અને આ બેઠકમાં માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ આપતો ઠરાવ પસાર કરવામાં આવશે.
પુત્ર ભરતસિંહ સોલંકી હાલ અમેરિકામાં
માધવસિંહ સોલંકીના પુત્ર ભરતસિંહ સોલંકી હાલ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા છે. તેઓ હાલ અમેરિકામાં છે. પિતાના નિધનના સમાચાર સાંભળીને ભરતસિંહ સોલંકી પણ આઘાતમાં સરી પડ્યા હતા. તેઓ તાત્કાલિક ગુજરાત આવવા રવાના થયા છે.
માધવસિંહ સોલંકી 1976માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારબાદ 1881માં ફરી એકવાર ગુજરાતની સત્તા સંભાળી હતી. તેઓએ સામાજિક અને આર્થિક રૂપથી પછાત વર્ગો માટે આરક્ષણની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેઓએ 1985માં પદેથી રાજીનામું આપ્યું હતું પરંતુ ફરી તેઓએ વિધાનસભાની 182 બેઠકોમાંથી 149 બેઠક જીતી સત્તા સંભાળી હતી.આ દિન સુધી તેમનો આ રેકોર્ડ કોઈપણ તોડી શક્યું નથી.