ખરાબ હવામાનને કારણે સીએમના હેલિકોપ્ટરનું જેતપુરમાં લેન્ડિંગ, હવે રોડમાર્ગે જશે સોમનાથ
આજે સવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું વિમાન કેશોદ એરપોર્ટ પર પાણી ભરાવાને કારણે લેન્ડ ન થતા સીએમ ગાંધીનગર પરત ફર્યા હતા.
ગાંધીનગરઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે ગીર-સોમનાથ જિલ્લાની મુલાકાતે છે. જિલ્લામાં અતિવૃષ્ટિથી પ્રભાવિત વિસ્તારોની વિજય રૂપાણી મુલાકાતે જવા રવાના થયા છે. કેશોદમાં વરસાદના કારણે ઉતરણ ન થઈ શકતા ગાંધીનગર પરત આવ્યા હતા. જો કે, મુખ્યમંત્રી આ વિસ્તારોમાં પરિસ્થિતિની જાત માહિતી મેળવવા હવે, એરફોર્સના ખાસ હેલિકોપ્ટર મારફત રવાના થયા હતા. પરંતુ જેતપુર પહોંચતા ખરાબ હવામાનને કારણે સીએમના હેલીકોપ્ટરનું નોર્મલ લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી રોડમાર્ગે સોમનાથ જવા માટે રવાના થયા છે. તેમની સાથે મુખ્ય સચિવ ડૉ. જે.એન. સિંહ અને અગ્ર સચિવ કૈલાસનાથન તેમજ વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા છે.. અહીંયા ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા તંત્ર સાથે બેઠક કરીને, પૂર અને અતિવૃષ્ટિથી ઉભી થયેલી સ્થિતિની સમીક્ષા તેમજ બચાવ રાહત કાર્યોનું માર્ગદર્શન કરવાના છે.