ગીરસોમનાથમાં સીએમે કરી બચાવ કામગીરી અને પૂરની સમિક્ષા, બુધવારે મળનાર કેબિનેટની બેઠક રદ્દ
ગીરસોમનાથઃ ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિને કારણે મુખ્યપ્રધાન વિજય રૂપાણી વેરાવળ પહોંચ્યા હતા. તેમની સાથે મુખ્ય સચિવ જે.એન.સિંઘ, મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન સહિતના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા. સીએમ જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજીને તમામ પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી. આ સાથે અધિકારીઓને રાહત કાર્ય તથા લોકોને સહાય ચુકવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. સીએમે કહ્યું કે, તંત્ર એલર્ટ છે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણી અમદાવાદથી એરફોર્સના વિમાનમાં ગીરસોમનાથ જવા માટે નીકળ્યા હતા. પરંતુ જેતપુર પાસે ખરાબ હવામાન હોવાને કારણે સીએમના હેલિકોપ્ટરનું લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સીએમ રોડમાર્ગે ગીરસોમનાથ પહોંચ્યા હતા. આ પહેલા સીએમે પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું.
પૂર પ્રભાવિત વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા સંજય નંદન અને સૂનયના તોમરને ખાસ સંકલન માટે ફરજ સોંપવામાં આવી છે. હજુ પણ વરસાદની આગાહી હોવાને કારણે ગમે તે સ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફ સાથે એસઆરપી કોસ્ટગાર્ડને મદદ માટે તૈયાર રાખવામાં આવશે.
કેબિનેટની બેઠક રદ્દ
રાજ્ય સરકાર દર બુધવારે સામાન્ય રીતે કેબિનેટની બેઠકનું આયોજન કરતી હોય છે. પરંતુ આ વખતે રાજ્યમાં ભારે વરસાદને કારણે બુધવારે મળનારી કેબિનેટની બેઠક રદ્દ કરી દેવામાં આવી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ નિર્ણય લીધો છે. સીએમે તમામ મંત્રીઓને ભારે વરસાદ અને પૂર પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્યોનું માર્ગદર્શન અને સમીક્ષા કરવા સૂચના આપી છે.