અમદાવાદઃ મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી રવિવાર (17 જૂન) નવી દિલ્હીમાં નીતિ આયોગની ગર્વનિંગ કાઉન્સીલ બેઠકમાં ભાગ લેવા જશે. ​વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં રવિવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનારી નીતિ આયોગની ગર્વનિંગ કાઉન્સીલની બેઠકમાં કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યોના મુખ્યમંત્રીઓ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસકો ભાગ લેવાના છે.  ​આ બેઠકમાં કેન્દ્ર સરકારની ફલેગશીપ યોજનાઓ, કિસાનોની આવક બમણી કરવી, આયુષ્યમાન ભારત, મિશન ઇન્દ્રધનુષ્ય, નેશનલ ન્યૂટ્રિશ્યન મિશન, ૧પ૦મી ગાંધી જ્યંતિની ઉજવણી જેવા વિષયો પર પ્રગતિ-સિધ્ધિની સમીક્ષા કરાશે અને ભાવિ આયોજન અંગે ચર્ચા-વિર્મશ હાથ ધરવામાં આવશે.​ રાષ્ટ્રીય વિકાસની પ્રાધાન્યતા, વિવિધ સેકટર્સ અને સ્ટ્રેટેજીમાં રાજ્યોની સક્રિય સહભાગીતા માટે આ ગર્વનિંગ કાઉન્સીલ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 


આ બેઠક બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અલગથી બેઠક કરી શકે છે અને રાજ્યની પ્રવર્તમાન પરિસ્થિતિ વિશે પીએમ સાથે ચર્ચા કરી શકે છે.