હિતેન વિઠલાણી, નવી દિલ્હી: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લખનઉમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી સાથે આજે મુલાકાત કરીને તેમને આગામી 31 ઓક્ટોબરે સરદાર સાહેબની વિશ્વની વિરાત્તમ પ્રતિમાના લોકાર્પણમાં ઉપસ્થિત રહેવા વિધિવત આમંત્રણ પાઠવ્યું હતું. વિજય રૂપાણીએ યોગી આદિત્યનાથજીને સ્ટેચ્યુ ઓફ યુનિટીની તસ્વીર કોફી ટેબલ બુક તેમજ ભારતના પ્રથમ મંત્રી મંડળની સમૂહ તસ્વીર ભેટ આપી હતી. બીજી તરફ રવિવારે કોંગ્રેસ કાર્યકર્તાએ પણ પરપ્રાંતિય મુદ્દાનો વિરોધ કરતાં ગુજરાતના મુખ્યમંત્રીના વિરોધમાં કાળા વાવટા બતાવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું  હતું કે આ સ્થાન વિશ્વ પ્રવાસન આકર્ષણ કેન્દ્ર બને તેવી વ્યવસ્થા સરકારે કરી છે. દરરોજના 15 હજારથી વધુ પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લેશે તેમના માટે એક અને અખંડ ભારતની પ્રત્યક્ષ અનુભૂતિ માટે દરેક રાજ્યના ભવન એક ભારત શ્રેષ્ઠ ભારત હેઠળ બનશે. તેમણે યુ.પી સરકાર સહિત અન્ય રાજ્યોને આવા ભવન નિર્માણ માટે ગુજરાત સરકારના સહયોગની ખાતરી આપી હતી.



વિજય રૂપાણીએ ઉમેર્યું કે સરદાર સાહેબની વિરાટ પ્રતિભાને વિરાટ તમ પ્રતિમાથી વિશ્વ સમક્ષ ઉજાગર કરવા અહીં લાઈટ એન્ડ લેસર શો સહિતની અદ્યતન સુવિધાઓ વિકસાવશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીએ સરદાર સાહેબની આ પ્રતિમાના આધાર પર અયોધ્યામાં ભગવાન રામચંદ્રજીની પ્રતિમા નિર્માણ માટેની સંભાવનાઓ ચકાસવા અને ટેક્નિકલ સહયોગ માટે એક પ્રતિનિધિ મંડળ ગુજરાત મોકલવા કરેલ સુચનને વિજય રૂપાણીએ આવકાર્યું હતું.



વિજય રૂપાણીએ કહ્યું કે આ પ્રતિમા લોકાર્પણ બાદ દરેક રાજ્યોના નાગરિકો એકતા અખંડિતતાનું આ સ્મારક જોવા આવે તેવું વ્યાપક આયોજન પણ સરકાર કરી રહી છે. આગામી દિવસોમાં રાજ્યોના પોલીસ વડાઓની પરિષદ તેમજ રાજ્યોની વિધાનસભાના અધ્યક્ષોની કોન્ફરન્સ પણ યોજાવાની છે. મુખ્યમંત્રીએ આ બેઠક દરમ્યાન ગુજરાતના ગિફ્ટ સીટીમાં હવે ગ્લોબલ ફાયનાન્સિયલ એક્ટીવીટી શરૂ થવાથી વિશ્વ વેપાર કેન્દ્ર ગુજરાત બન્યું છે. તેમજ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતાને પગલે બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે તેની પણ વિશદ ચર્ચા કરી હતી.
આ વેળા એ યુ.પી સરકાર ના આલા અફસરો પણ જોડાયા હતા.


કોંગ્રેસે ફરકાવ્યા કાળા ઝંડા
આ દરમિયાન કાનપુર ગુજરાત સમાજના અધ્યક્ષ અશોલ સલ્વાએ કહ્યું હતું કે 'ગુજરાતમાં યૂપીના લોકોની સાથે જે કંઇ થયું છે, તે ખરાબ થયું. જો આ પ્રકારની ઘટનાઓ ચાલુ રહેશે તો અમે લોકો પણ આવી પ્રતિક્રિયા આપીશું. અમે લોકો આ મુદ્દે ગુજરાતના મુખ્યમંત્રી સાથે વાત કરીશું. 


આ પહેલાં રવિવારે રાત્રે જ્યારે ગુજરાતના સીએમ લખનઉ પહોંચ્યા તો કોંગ્રેસ કાર્યકર્તાએ તેમને કાળા વાવટા ફરકાવી પ્રદર્શન કર્યું. કાળા વાવટા બતાવતાં કોંગ્રેસીઓએ 'વિજય રૂપાણી પાછા જાવ'ના નારા પણ લગાવ્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રીને કાળા વાવટા બતાવવાના આરોપમાં 12 કોંગ્રેસ કાર્યકર્તાઓને હરજરતગંજ પોલીસે કસ્ટડીમાં લીધા હતા. 


31મી ઓક્ટોબરે લોકાર્પણ
સાધુ બેટ પર બનેલા સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું 31 ઓક્ટોબરે વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આ માટે ગુજરાત સરકાર દેશમાં વિવિધ જગ્યાએ આમંત્રણ મોકલશે. આ સાથે અન્ય રાજ્યોમાં રહેતા ગુજરાતી સમાજ સાથે પણ ચર્ચા કરશે અને તેમને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા માટે જણાવશે.